જેતપુરમાં દીપાવલીના ફનફેર મેળામાં દુર્ઘટના; બ્રેક ડાન્સ રાઈડ તૂટી પડતાં દંપતી ગંભીર રીતે ઘાયલ
દીવાળીના તહેવારની ખુશીને દુ:ખમાં બદલી નાખનારી એક દુર્ઘટના રાજકોટના જેતપુરમાં સર્જાઇ છે. રોટરી ક્લબ દ્વારા આયોજિત ફનફ

દીવાળીના તહેવારની ખુશીને દુ:ખમાં બદલી નાખનારી એક દુર્ઘટના રાજકોટના જેતપુરમાં સર્જાઇ છે. રોટરી ક્લબ દ્વારા આયોજિત ફનફેર મેળામાં ચાલુ બ્રેક ડાન્સ રાઇડ અચાનક તૂટી પડતાં તેમાં સવાર એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટના બાદ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને સલામતીના મામલે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
જેતપુરના ફનફેર મેળામાં રાઇડ્સ તૂટી
જેતપુરના રોટરી ક્લબ દ્વારા આયોજિત ફનફેર મેળામાં હજારો લોકો ઉમટ્યા હતા જેમાં ધવલ મંડલી અને તેમના પત્ની ગાયત્રી મંડલી રાઇડ્સમાં સવાર થયા હતા. અચાનક રાઇડના મશીનરીમાં ખામી આવતાં તે તૂટી પડી હતી અને દંપતી નીચે પટકાયા હતા. આ દરમિયાન રાઇડની ઝડપને કારણે તેમને માથા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી.
સ્થાનિક લોકો અને મેળાના અન્ય સંભાળકોની મદદથી ઘાયલ દંપતીને તુરંત જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર પછી તેમની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે જૂનાગઢના સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ પહેલાં પણ બની હતી આવી ઘટના
નોંધનીય છે કે, આજથી પાંચ વર્ષ પહેલાં 14 જુલાઈ 2019માં અમદાવાદના કાંકરિયામાં પણ રાઇડ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે ચાલુમાં 'ડિસ્કવરી' નામની પેન્ડુલમ રાઇડ તૂટી પડી હતી, જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા અને 29 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે તમામ રાઇડ્સની સુરક્ષા તપાસ અને જાળવણીના નિયમો વધુ કડક બનાવ્યા હતા. લાંબા સમય સુધી રાજ્યની તમામ રાઇડ્સ બંધ કરી દેવામાં આવી હતી, તેમ છતાં રાજકોટમાં આવી જ દુર્ઘટનાનું ફરી એકવાર પુનરાવર્તન થયું છે.
રાજ્યમાં જ્યારે કોઈ મોટી દુર્ધટના બને ત્યારે ટૂંકા ગાળા માટે તેને લાગતી વળગતી વસ્તુઓ બંધ કરી દેવામાં આવે છે. બ્રિજ તૂટે તો અન્ય જર્જરિત બ્રિજની તપાસ હાથ ધરી તેને બંધ કરવામાં આવે. વડોદરામાં હરણી કાંડ બાદ બોટિંગના નિયમો કડક કર્યા અને ટૂંકા ગાળા માટે બોટિંગ બંધ કરી દીધી. શાળાના પ્રવાસ દરમિયાન દુર્ઘટના થાય તો પ્રવાસ બંધ કરી દેવામાં આવે. પરંતુ, થોડા સમય બાદ જ્યારે ફરી બધું શરૂ કરવામાં આવે ત્યારે સ્થિતિ તેની તે જ રહે છે. સરકારના કડક નિયમો ફક્ત સમાચાર અને કાગળ પૂરતા જ જોવા મળે છે.








