ગુજસેલના તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ACBએ ગુનો નોંધ્યો, પરિવારજનો માટે કર્યો હતો સરકારી વિમાનનો ઉપયોગ
ગુજસેલના તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સહિત ત્રણ લોકો સામે એન્ટી કરપ્શન બ્યુરો(ACB)માં ફરિયાદ નોંધાઈ છે. તમને જ

ગુજસેલના તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સહિત ત્રણ લોકો સામે એન્ટી કરપ્શન બ્યુરો(ACB)માં ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે, સત્તાનો દુરુપયોગ કરી સરકારના વિમાનનો ઉપયોગ પોતાના પરિવારજનો માટે કર્યો હતો. એટલું જ નહીં સરકારને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
ACBએ અજય કરણસિંહ ચૌહાણ, કેપ્ટન તથા એકાઉન્ટેબલ મેનેજર, ગુજસેલ (હાલ- ફરજ મોકુફ), અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી, ડાયરેકટર, કેશમેક એવીએશન પ્રા.લિ. અને અલ્પેશકુમાર નટવરભાઈ પ્રજાપતિ, એકાઉન્ટન્ટ, ગુજસેલ સામે ગુનો દાખલ કર્યો છે.
ગેરરીતિઓ સામે આવ્યા બાદ કરાઈ હતી હકાલપટ્ટી
ગુજસેલમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા અજય ચૌહાણની ગેરરીતિઓ બહાર આવ્યા બાદ સરકારે તેની હકાલપટ્ટી કરી હતી. તેમજ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ભ્રષ્ટાચારમાં કેપ્ટન અજય ચૌહાણ સહિત 3 લોકોની સંડોવણી સામે આવી હતી.
આર્યન એવીએશન પ્રા.લિ. કંપનીને ફ્લાઈંગ સેવા પૂરી પાડી અને આ કંપની પાસેથી 47 લાખ જેટલી રકમ પોતાના ખાતામાં જમા લીધી હતી. અન્ય કંપની પાસેથી 10 લાખ લીધા હતા. આમ કુલ 72 લાખ જેટલી રકમનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું હતું.
સગાંસંબંધીઓને મફતમાં હવાઈ સફર કરાવી હતી
કેપ્ટન અજય ચૌહાણે ગુજરાત સરકારના હેલિકોપ્ટર અને વિમાનનો દુરુપયોગ કર્યો હતો. પોતાના પરિવારજનોને તેમજ સગાંસંબંધીઓને મફતમાં હવાઈ સફર કરાવી હતી.








