ગુજરાતમાં કૌભાંડીઓ- ભ્રષ્ટાચારીઓની સંપત્તિ જપ્ત થશે, વિધાનસભામાં વિશેષ કોર્ટ વિધેયક પસાર
ગુજરાતમાં કૌભાંડી અને ભ્રષ્ટાચારી લોકોની સંપત્તિ કરવા સ્પેશ્ય

ગુજરાતમાં કૌભાંડી અને ભ્રષ્ટાચારી લોકોની સંપત્તિ કરવા સ્પેશ્યલ કોર્ટની રચના કરાશે, જેમાં ત્રણ વર્ષથી સજાની જોગવાઈ હોય અને ગુનો આચરીને મેળવેલી સંપત્તિ એક કરોડ કરતાં વધુની હોય તેની સામે આ કાયદા હેઠળ વધુ કાર્યવાહી કરાશે. વિધાનસભામાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક પસાર કરવામાં આવ્યું છે અને તેમાં નાના-મોટા ગુનાઓને આ કાયદો ગૃહ લાગુ નહીં પાડવાનું ઠરાવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધેયકની રજૂઆતમાં જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાને નુકશાન કરતા બુટલેગરો, જી.એસ.ટીના કૌભાંડીઓ, જાહેર સેવકો, રાષ્ટ્ર વિરોધીની પ્રવૃત્તિ કરનારા લોકો, ભુમાફીયાઓ અને ડ્રગ માફીયાની સંપતિ જપ્ત કરવા આ કાયદો બનાવવામાં આવ્યો છે. આવા કેસોમાં આરોપી પાસે ગુનાહિત પ્રવૃત્તિમાંથી કમાયેલી મિલકતને સરકાર દ્વારા જપ્ત કરી શકાશે, અને આ જપ્તીની કામગીરી પણ છ માસની સમય-મર્યાદામાં પૂર્ણ કરવાની જોગવાઈ કરી છે.
આ પ્રકારના ગુનાઓમાં આરોપીની મિલકત જપ્તી કરવા માટે સરકાર દ્વારા અધિકૃત અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. આ અધિકારી પણ એડિશનલ સેશન્સ જજ કક્ષાના નિવૃત ન્યાયિક અધિકારી હશે.
તપાસનીશ અધિકારી દ્વારા મળેલી મિલકત જપ્તીની દરખાસ્તનો પૂરતો અભ્યાસ કર્યા બાદ આરોપીને નોટિસ મોકલવામાં આવશે. વિશેષ કોર્ટના હુકમ સામે અને અધિકૃત અધિકારીના મિલ્કત જપ્તીના હુકમ વિરૂધ્ધ હાઇકોર્ટમાં અપીલ પણ કરી શકાય છે. જો મૂળ ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો થાય તો વાર્ષિક પાંચ ટકા વ્યાજ સાથે મિલકતની રકમની ચુકવણી કરાશે.
આ કાયદામાં કોઈ વ્યકિત જ નહિ પરંતુ કોઈ સંગઠન, મંડળી, કોઈ ચીટર કંપની કે સંસ્થાને પણ આરોપી ગણી તેની મિલકત જપ્ત કરી શકાય છે, જ્યારે મિલકતની વ્યાખ્યામાં તમામ પ્રકારની મિલકત આવરી લેવામાં આવી છે. આરોપીની રોકડ, દાગીના, શેર, વાહન, કોઈ ઘર કે દુકાન કે અન્ય કોઈ પણ પ્રકારની આકસ્યામતો હવે જપ્ત કરી શકાશે.








