સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે લાલ આંખ, એક જ વર્ષમાં 995 લાયસન્સ થયા રદ્દ
સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં પોલીસ કમિશનરએ ટ્ર

સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં પોલીસ કમિશનરએ ટ્રાફિક નિયમ પાલન માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવા અંગે વિગતે ચર્ચા કરી હતી. તેમણે ટ્રાફિક પોલીસ નાગરિકોની સલામતી અને રોડ પરની સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહી છે એમ જણાવી સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
18 લાખનો દંડ કરાયો
રખડતા પશુઓ મામલે ચર્ચા કરતા મહાનગરપાલિકા દ્વારા આ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકા દ્વારા નવેમ્બરમાં ૩૯૩ અને ડિસેમ્બરમાં ૨૧૩ રખડતા ઢોરોને પકડવામાં આવ્યા અને ૧૮ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઝોનલ ઓફિસરોએ કરેલ કામગીરી જેવી કે,સ્ટોપ લાઇન, ઝીબ્રા ક્રોસિંગ, નો પાર્કિંગ- સ્પીડ લિમીટ-પાર્કીંગના સાઇન બોર્ડ અને પીળા પટ્ટા સહિતની કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત જંક્શન પાસે થતાં ટ્રાફિકને હલ કરવા માટેના સુચનો આપવામાં આવ્યા હતા.
કામગીરી સઘન કરાશે
વર્ષ ૨૦૨૩ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ૮૯૭ વાહનચાલકો અને વર્ષ ૨૦૨૪ માં ૯૯૫ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી આર.ટી.ઓ કચેરી દ્વારા કરવામાં આવી હતી, જે મુદ્દાની ચર્ચા કરતા કમિશનરે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ નિયમોનું પાલન થશે, માટે કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ અપડેટ કરવા, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો, બ્લેક સ્પોટ પર ૧૦૮ ઈમર્જન્સી સેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચર્ચા કરાઈ હતી.








