મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જમીનમાં ખારાશનું પ્રમાણ વઘ્યુ, ગુજરાતના દરિયાકાંઠે 765 km જમીનનું ધોવાણ, શું નક્શો-ભૂગોળ બદલાશે

Central Jal Shakti Ministry Report: દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવુ ચિત

જમીનમાં ખારાશનું પ્રમાણ વઘ્યુ, ગુજરાતના દરિયાકાંઠે 765 km જમીનનું ધોવાણ, શું નક્શો-ભૂગોળ બદલાશે

Central Jal Shakti Ministry Report: દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે,  દરિયાકાંઠાની જમીનનું દિવસે દિવસે ધોવાણ થઇ  રહ્યું છે. સાથે સાથે જમીનમાં ખારાશનું પ્રમાણ વઘ્યુ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છેકે, ગુજરાતના દરિયાકાંઠે 765 કીમી જમીનનું ધોવાણ થયુ છે. આ પરથી સ્થિતી કેટલી હદે ચિંતાજનક છે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. જાણકારોનું માનવું છેકે, જો આ જ પરિસ્થિતિ રહી તો, ગુજરાતના નકશો-ભૂગોળ બદલાઇ જશે તે દિવસો હવે દૂર નથી.

ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર અને જામનગરનો દરિયાકાઠે ધોવાણ વધુ     

ઔદ્યોગિક વિકાસની આંધળી દોટમાં દરિયાકાંઠાની જાળવણી ભૂલાઇ હોય તેમ લાગી રહ્યુ છે.  વધતાં ઔદ્યોગિકીકરણ અને ગેરકાયદેસર માઇનીંગ, વૃક્ષછેદન જેવી માનવસર્જીત પ્રવૃતિઓને લીધે દરિયાકાંઠે સ્થિતી ચિંતાજનક બની છે. લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટમાં એવા તારણો રજૂ થયા છેકે, ગુજરાતના દરિયાકાંઠાની જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટે તે માટે એક કમિટીનું ગઠન કરાયુ હતુ જેના રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયોકે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 534 ગામોમાં 7,00,120 હેક્ટર જમીન ખારાશને લીધે પ્રભાવિત થઇ હતી. બીજી તરફ, દરિયાકાંઠા વિસ્તારોમાં જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મે-2025ના રોજ એક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. રાજ્ય સરકારે પણ તે દિશામાં અમલ કરવા તૈયારી કરી છે. 

જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારમાં 66 ટકા જમીન ધોવાઇ

ખારાશ નિવારણ માટે પગલાં લેવાતાં ગુજરાતમાં 87,860 હેક્ટર જમીનમાં ખારાશનું પ્રમાણ ઓછુ થયુ હતુ.  એટલુ જ નહીં, ખેડૂતોને પણ ફાયદો પહોંચ્યો હતો. આ તરફ, નેશનલ એસેસમેન્ટ ઓફ શોરલાઇન ચેન્જનો રિપોર્ટ છેકે, ગુજરાતમાં ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર અને જામનગરના દરિયાકાંઠે જમીનનું ધોવાણ વધુ પ્રમાણમાં થઇ રહ્યુ છે.  ભાવનગર વિસ્તારમાં જસપરા, મીઠી, વિરડી, થાલસર અને ગોધામાં જમીન ધોવાણ થયુ છે. જ્યારે ગીર સોમનાથમાં આદ્રી અને નવાપરામાં જમીન ધોવાઇ રહી છે. જૂનાગઢ વિસ્તારમાં તો દરિયાકાંઠાના 66 ટકા જમીન ધોવાઇ રહી હોવાનું તારણ બહાર આવ્યુ છે. 

ટૂંકમાં, કુદરતી કારણોની સાથે સાથે માનવસર્જિત પ્રવૃતિઓને લીધે દરિયાકાંઠાની જમીન ધોવાઇ રહી છે. અત્યાર સુધી ગુજરાતમાં દરિયાકાંઠાની 537 કીમી જમીન ધોવાઇ હતી જે વધીને હવે 765 કીમી સુધી પહોંચી છે જે ચિંતાનું કારણ બની રહ્યુ છે. જો સરકાર આ દિશામાં ગંભીરતા નહી દાખવે તો, ગુજરાતના દરિયાકાંઠાને દરિયો ગળી જશે.

આ સમાચાર શેર કરો