રાજ્યમાં 674 એશિયન સિંહ, વિવિધ પ્રજાતિઓની 5.65 લાખથી વધુની વસ્તી નોંધાઈ
વન્ય પ્રાણીઓ અને પર્યાવરણની જાળવણી આપણી નૈતિક જવાબદારી છે, ત્યારે છ

વન્ય પ્રાણીઓ અને પર્યાવરણની જાળવણી આપણી નૈતિક જવાબદારી છે, ત્યારે છેલ્લા દોઢ દાયકાથી વન્ય પ્રાણીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. રાજ્યમાં વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં એશિયાઈ સિંહ, નીલગાય, કાળિયાર, દીપડા, વરુ, ઘુડખર, ડોલ્ફિન જેવા અનેક જીવોની 5.65 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે. 3 માર્ચના રોજ રાજ્ય સહિત વિશ્વભરમાં 'વિશ્વ વન્યજીવન દિવસ'ની ઉજવણીના ભાગરૂપે પ્રાણીઓ અને વનસ્પતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકજાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.
ગુજરાતમાં વર્ષ 2020માં કરાયેલી વન્યજીવ વસ્તી ગણતરી મુજબ, 674થી વધુ એશિયાઈ સિંહની સંખ્યા છે. જ્યારે વર્ષ 2023ની વસ્તી ગણતરી પ્રમાણે, 2.24 લાખથી વધુ નીલગાય, 2 લાખથી વધુ વાંદરા, 1 લાખથી વધુ જંગલી સુવર અને ચિત્તલ જોવા મળે છે. તેમજ 9170 કાળિયાર, 8221 સાંભર, 6208 ચિંકારા, 2299 શિયાળ, 2274 દીપડા, 222 વરુ સહિતના પ્રાણીઓની સંખ્યા નોંધાઈ છે. જ્યારે વર્ષ 2024માં કરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ, 7672 ઘુડખર, કોબ્રા, કોમન ક્રેટ, સો-સ્કેલ્ડ વાયપર સહિતના 300થી વધુ ઝેરી સાપ, 680 ડોલ્ફિન સહિત રાજ્યમાં કુલ 5.65 લાખથી વધુ વન્ય પ્રાણીઓની વસ્તી નોંધાઈ છે.
રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરુ રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને સંવેદનશીલ પ્રાણીઓ જોવા મળે છે, જેમાં ભારતીય વરુનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં વન વિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન દ્વારા મહત્ત્વની પહેલ થકી વર્ષ 2023માં રાજ્યમાં વરુની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરુ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 80 વવરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 39 નર્મદા જિલ્લામાં, 36 બનાસકાંઠામાં, 18 સુરેન્દ્રનગરમાં, 12-12 જામનગર અને મોરબીમાં તેમજ 09 કચ્છ જિલ્લામાં
વરુ જોવા મળ્યા છે. ઉપરાંત પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરુનું અસ્તિત્વ નોંધાયું છે.
રાજ્યમાં ઘુડખરની સંખ્યામાં વધારો
દેશમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની રાજ્યમાં 7672 જેટલી વસ્તી નોંધાઈ છે. રાજ્યમાં સૌથી વધુ 2705 ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા છે. આ પછી કચ્છમાં
1993, પાટણમાં 1615, બનાસકાંઠામાં 710, મોરબીમાં 642 અને અમદાવાદમાં 07 ઘુડખર છે. ઉલ્લેખનીય છે કે, ઘુડખર વસ્તી ગણતરી અંદાજ મુજબ વર્ષ 1976માં 720 ઘુડખર, વર્ષ-1983માં 1989, વર્ષ 1990માં 2072, વર્ષ 1999માં 2839, વર્ષ 2014માં 4451, વર્ષ 2020માં 6082 ઘુડખર નોંધાયા હતા. જેમાં વર્ષ 2024માં ઉત્તરોત્તર વધારો થયો છે.
ગુજરાતના દરિયામાં આશે 680 ડોલ્ફિન
ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’. તાજેતરમાં ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાતમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી થઈ હતી. જળચર-વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના 4087 ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખૂબ જ મહત્ત્વનું જળચર પ્રાણી છે. જે સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે. ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ-વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બની છે.
કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ પણ તૈયાર કરવાની મંજૂરી બાદ જેની કામગીરી હાલ ચાલી રહી છે. આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશ(WHO)ની માર્ગદર્શિકા મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સૌપ્રથમ 'સર્પ સંશોધન સંસ્થાન'ની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સર્પદંશને લગતા સંશોધન, નિવારણ, નિદાન, સારવાર, પુનર્વસન તેમજ ગુજરાત અને પડોશી રાજ્યોના મેડિકલ અધિકારીઓને સર્પદંશના ઉપચાર તથા વ્યવસ્થાપન અંગે તાલીમ આપવાની કામગીરી કરવામાં આવે છે.
આ સર્પ સંશોધન સંસ્થાનમાં હાલમાં લગભગ 300થી વધારે ઝેરી સાપ રખાયા છે, જેની સંખ્યા ભવિષ્યમાં 3000 સુધી લઈ જવામાં આવશે. અહીં WHOની માર્ગદર્શિકા અનુસાર સાપમાંથી ઝેર કલેક્શનની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. ધરમપુર ખાતેના આ સર્પ સંશોધન સંસ્થાનમાં મુખ્ય ચાર ઝેરી સાપોને રાખવામાં આવે છે. જેમાં ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સો-સ્કેલ્ડ વાયપરનો સમાવેશ થાય છે, એમ વન વિભાગની યાદીમાં જણાવાયું છે.








