કચ્છ / અબડાસાના સાંધણ ગામના દલિત યુવકની હત્યા મામલે બે સગીર સહિત 6 હત્યારાઓની ધરપકડ
કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના સાંધણ ગામના દલિત યુવકની હત્યા થઇ હતી. યુવકનો મૃતદેહ મળ્યા

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના સાંધણ ગામના દલિત યુવકની હત્યા થઇ હતી. યુવકનો મૃતદેહ મળ્યા બાદ કોઠારા પોલીસ મથકે 6 આરોપીઓ સામે નામજોગ હત્યાની કલમ તળે ફરિયાદ નોંધાયા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે બે સગીર સહિત તમામ 6 હત્યાઓની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી લીધા છે.
અબડાસાના સાંધાણ ગામનો યુવક સુરેશ નાનજી કટુવા ગત 4 મેના રોજ ગુમ થયો હતો. તેના પરિવારે કોઠારા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સુથરી-સાંધાણ વચ્ચેથી સુરેશનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, જો કે પરિવાર અને સમાજના લોકોએ તેની હત્યા થઇ હોવાની દ્રઢ શંકા વ્યક્ત કરી હત્યાની કલમ ઉમેરી તપાસ માટેની માંગ કરી હતી. દલિત અધિકાર મંચ તથા સમાજના લોકોએ ચક્કાજામ કરી વિરોધ પણ દર્શાવ્યો હતો. જે બાદ પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપી હતી.
આ મામલે કોઠારા પોલીસ મથકે પોલીસે યુવકના પાડોશમાં રહેતા 6 લોકો સજ્જનસિંહ,આશા સજ્જનસિંહ તથા વિજયસિંહ, સાગરસિંહ, મંગત ગૌમતસિંહ, શ્યામસિંગ તથા તપાસમા જે નિકળે તેની સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
હત્યા કરનારા લોકો મૂળ રાજસ્થાન અને હરિયાણાના વતની છે અને તમામ મજૂરી કામ કરવા કચ્છ આવ્યાં હતા. મૃતક યુવક સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયા બાદ તેની હત્યા કરી મૃતદેહને ફેંકી દીધો હતો. પોલીસે બે સગીર સહિત તમામ 6 હત્યારાઓની ધરપકડ કરી છે.








