Gandhinagar news: કલોલમાં 6 માસના બાળકનું અપહરણ, સંતાનપ્રાપ્તિ ન થતાં મહિલાએ ઘડ્યો હતો પ્લાન
ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક છત્રાલ રોડ પર પાનોટ ગામની સીમમાં રહેતા એક પરિવારના માત્ર 6 માસના

ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક છત્રાલ રોડ પર પાનોટ ગામની સીમમાં રહેતા એક પરિવારના માત્ર 6 માસના બાળક શાહરૂખનું દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરીને પરત ફરતી વખતે અપહરણ થયાની ચકચારી ઘટના સામે આવી હતી. જોકે ગાંધીનગર પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણનો ભેદ ઉકેલી અજાણી મહિલાના ચંગૂલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યો હતો.
કલાબેન મેડિકલ સ્ટોર તરફ ગયા અને અપહરણ થયું
પ્રાપ્ત માહિતી અનુસાર કલાબેન મીર તેમના પરિવાર સાથે કલોલ ફરવા ગયા હતા અને બપોરે આશરે 2.30 વાગ્યાના અરસામાં છત્રાલ બ્રિજ નજીક લસ્સીની લારી પાસે બેઠા હતા. કલાબેન બામ લેવા મેડિકલ સ્ટોર તરફ ગયા હતા. આ દરમિયાન લીલા કલરની સાડી પહેરેલી એક અજાણી સ્ત્રી તેમના 6 માસના પુત્ર શાહરૂખને લઈને છત્રાલ બ્રિજ તરફ જતી રહી હતી. કલાબેન પરત આવતા બાળક ન મળતા અપહરણની જાણ થઈ હતી.
ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસ, LCB, SOG અને સાયબર સર્વેલન્સની ટીમો તાત્કાલિક કામે લાગી હતી. પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. ફૂટેજમાં દેખાતી મહિલા અગાઉ છત્રાલની ગેલેક્સી સોસાયટીમાં રહેતી અને તેનું નામ મધીબેન નાયક હોવાની માહિતી મળી હતી.
પોલીસે બાળકનું અપહરણ કરનાર મહિલાને ઝડપી
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે સતત 18 કલાકની જહેમત બાદ આરોપી મધીબેન નાયક (ઉ.વ. 40) ને મેડા આદરજ ખાતેથી ઝડપી પાડી હતી અને અપહૃત બાળક શાહરૂખનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો.
સંતાન ન હોવાથી આ કૃત્ય આચર્યું
પોલીસ પૂછપરછમાં આરોપી મધીબેન નાયકે કબૂલાત કરી કે, તેમને સંતાન ન હોવાથી સંતાન પ્રાપ્તિની લાલસામાં તેમણે આ કૃત્ય આચર્યું હતું. પોલીસે મધીબેન નાયકને પકડી પાડી બાળકને તેના માતા-પિતા કલાબેન મીરને સુરક્ષિત રીતે સોંપી દીધો હતો. પોતાના બાળકને હેમખેમ પરત મળતા પરિવારજનોએ ગાંધીનગર પોલીસની સરાહનીય કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો.








