મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરાની ગૃહિણીએ 58 લાખ ગુમાવ્યા, શેર માર્કેટમાં ઊંચા રિટર્નની લોભામણી જાહેરાતથી ચેતજો

Vadodara News : શેર માર્કેટમાં જંગી પ્રોફિટની લોભામણી સ્કીમમાં અનેક લોકો લાખો રૂપિયા ગુમાવી રહ

વડોદરાની ગૃહિણીએ 58 લાખ ગુમાવ્યા, શેર માર્કેટમાં ઊંચા રિટર્નની લોભામણી જાહેરાતથી ચેતજો

Vadodara News : શેર માર્કેટમાં જંગી પ્રોફિટની લોભામણી સ્કીમમાં અનેક લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે ત્યારે વડોદરાની એક ગૃહિણીએ 58 લાખ જેટલી મોટી રકમ ગુમાવી દેતા સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોરવાના આકાશ ફ્લેટમાં રહેતી દીપીકા વિજયભાઈએ પોલીસને કહ્યું હતું કે, તા 15 એપ્રિલ મોબાઈલ જોઈ રહી હતી તે દરમિયાન ફેસબુક પર ઇન્વેસ્ટમેન્ટની એક જાહેરાત જોતા તેના પર ક્લિક કરી હતી. જેથી આ ગૃહિણી એડવેન્ટ ઇન્ટરનેશનલ એફ 615 ગ્રુપમાં જોડાઈ ગઈ હતી. આ ગ્રુપમાં એડમીન તરીકે મેઘના ભાટિયા હતી અને 150 જેટલા લોકો મેમ્બર હતા. 

ત્યારબાદ મેઘના ભાટિયાએ શેર માર્કેટમાં ઇન્ટરેસ્ટ છે કે કેમ તેમ પૂછતા ગૃહિણીએ હા પાડી હતી જેથી તેમણે આ ગૃહિણીપાસે ગૂગલ ફોર્મ ભરાવ્યું હતું અને રોજે રોજ ઇન્વેસ્ટમેન્ટ માટેના ડેમો ક્લાસ થશે તેમ જણાવ્યું હતું.આ ગ્રુપમાં રોજે રોજ જે લોકો મોટો પ્રોફિટ કરતા હતા તેના સ્ક્રીનશોટ મુકાતા હતા.

મેઘના ભાટિયા એ ગૃહિણીને એક લીંક મોકલી હતી અને તેમાં ટ્રેડિંગ કરવા માટે આઈડી પાસવર્ડ આપ્યો હતો. તેણે અલગ અલગ બેન્ક એકાઉન્ટ મોકલી જુદા જુદા પ્લાન પણ આપ્યા હતા. જે મુજબ ગૃહિણીએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. 

ગૃહિણીએ કહ્યું કે તેણે 58 લાખથી વધુ રકમનું રોકાણ કરતા તેની સામે 3.20 કરોડનો પ્રોફિટ દેખાડવામાં આવતો હતો. આ લિંક બંધ થઈ જતા ગૃહિણીએ  મેઘના પાટિયાનો સંપર્ક કરતા તેણે અપગ્રેડેશન ચાલે છે તેમ કહી બીજી એક લિંક મોકલી હતી. આ લિંકમાં ગૃહિણીનું એકાઉન્ટ અને રકમ દેખાતી હતી જેથી ગૃહિણીએ 80 લાખ ઉપાડવાનો પ્રયાસ કરતા રકમ ઉપડી ન હતી. 

મેઘનાએ ટેક્સ અપડેટ કરવામાં આવી રહ્યો છે બે ત્રણ દિવસમાં રૂપિયા મળી જશે તેમ કહ્યું હતું પરંતુ ત્યારબાદ ગૃહિણીના કોલ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તપાસ કરતા આ કંપનીનું મૂળ સરનામું મુંબઈનું દેખાડવામાં આવતું હતું. જેથી ગૃહિણી સાથે ફ્રોડ થયાનું જણાઈ આવતા સાયબર સેલને ફરિયાદ કરી હતી.

આ સમાચાર શેર કરો