સુરેન્દ્રનગર- માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત, ડમ્પર સાથે કાર અથડાતા અમદાવાદની 4 મહિલાઓના મોત
સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાર

સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાર મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક એક ડમ્પર અને કાર વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કરમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં સવાર શ્રદ્ધાળુઓ શક્તિમાતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગરથી માલવણ તરફ પુરઝડપે આવી રહેલા ડમ્પર સાથે તેમની કારની ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચારેય મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.
આ અકસ્માતમાં કારમાં સવાર એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે, મૃતક મહિલાઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
મૃતક મહિલાઓ પૈકી બે મહિલાઓ મૂળ ડેરવાળાના વતની છે અને હાલમાં અમદાવાદમાં રહે છે. જ્યારે અન્ય બે મૃતક મહિલાઓ અમદાવાદમાં તેમના પાડોશી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા બજાણા પોલીસનો કાફલો અને 108એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.








