GSTV IMPACT : પાકિસ્તાનથી સુરેન્દ્રનગર આવેલા એક જ પરિવારના 22 હિંદુઓને મળશે ભારતનું નાગરિકત્વ
Surendranagar News : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રવિવાર 18 ઓગસ્ટે ગુજરાતન

Surendranagar News : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રવિવાર 18 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ પડોશી દેશોના હિંદુ ઈમિગ્રન્ટ્સને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ 188 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરશે. આ સમારોહ બોડકદેવમાં આવેલા પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે યોજાશે.
આ 188 લોકોમાં 28 વર્ષ પહેલા પાકિસ્તાનથી આવેલા અને સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સાડલા ગામે રહેતા એક જ પરિવારના 22 હિંદુ લોકોનો સમાવેશ થાય છે. 28 વર્ષ પહેલા આ હિંદુ પરિવાર પાકિસ્તાનથી બોર્ડર ક્રોસ કરી અને ગુજરાતમાં આવ્યો હતો અને આ પરિવારના લોકો મુળી તાલુકાના સડલા ગામે આવી વસવાટ કરતા હતા.
ઉલ્લેખીય છે એ આ 22 હિંદુ લોકોને CAA કાયદા હેઠળ ભારતની નાગરિકતા મળશે. અત્યાર સુધી નાગરિકતા ન હોવાથી આ લોકોને કોઈપણ પ્રકારનો લાભ મળતો ન હતો અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.
આ અંગે આ પરિવારની વેદના 6 મહીના પહેલા GSTVએ સરકાર સમક્ષ પહોંચાડી હતી અને સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને જણાવી પાકિસ્તાનથી આવેલા પરિવારને ભારતીય નાગરિકતા મળે તે પ્રકારના પ્રયાસ કરવા જણાવવામાં આવ્યું હતું. અંતે હવે કાલે આ 22 લોકોના પરિવારને ભારતીય નાગરિકતા મળશે જેને લઈ તે પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે.
ભારતની નાગરિકતા મળ્યાં બાદ આ તમામ લોકોના ઓળખ-રહેઠાણ-ઉંમરના ભારતીય દસ્તાવેજો બનશે, જેથી તેમને વિવિધ સરકારી સહાયનો લાભ મળશે.








