સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 20 રમતવીરોને સન્માનિત કરાયા, CM ભૂપેન્દ્ર પટેલ-મીરાબાઇ ચાનુ રહ્યા હાજર
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા 20 જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌથી મોટા રમતોત્ત્સવ ખેલમહાકુંભ-2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ વખતનો નેશનલ સ્પોર્ટ્સ ડે ગુજરાત માટે મહત્ત્વનો- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે,કોઈપણ રમતમાં ખેલદિલીએ અનિવાર્ય પાસું છે. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ મહત્ત્વનો છે. કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે.
ખેલ મહાકુંભ-2025નું રજિસ્ટ્રેશન શરૂ
ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વડાપ્રધાનના વિઝનનો લાભ ગુજરાતને અઢી દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્લ કલ્ચર ખીલ્યું છે તે તેમના વિઝનનું જ પરિણામ છે.ખેલે તે ખીલેના મંત્ર સાથે વડાપ્રધાન મોદીએ વર્ષ 2010માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભ 3.0માં રેકોર્ડબ્રેક 71 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-2025 માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. તેમાં પણ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને જણાવ્યું કે, ભારત આજે રમતગમત ક્ષેત્રે નવા સીમાચિન્હો પ્રસ્થાપિત કરી રહ્યો છે તેમાં ગુજરાતનું પણ મોટું યોગદાન રહ્યું છે. રાજ્યમાં રમત ગમત પ્રવૃતિઓનો વ્યાપ ખૂબ પ્રશંસનીય રીતે વધી રહ્યો છે. આ પ્રવૃતિઓને જન જન સુધી પહોંચાડતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતનું યોગદાન પણ મહત્વનું છે.
ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો તે ગૌરવની વાત-મીરાબાઇ ચાનુ
પદ્મશ્રી અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ જણાવ્યું હતું કે, ગુજરાત રમતગમત પ્રિય રાજ્ય છે. કોમનવેલ્થ ગેમમાં મને સિદ્ધિ મળી છે, તે પણ ગુજરાતમાં એ મારા માટે બહુ ગૌરવની વાત છે. તેમણે રમતવીરોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાની રમત પ્રત્યે શ્રેષ્ઠ પ્રદાન કરવાનો સંકલ્પ જ આપણી તાકાત છે. જ્યાં છો ત્યાંથી આગળ વધવાની કટિબદ્ધતા જ તમને શ્રેષ્ઠ પ્રદાન આપી શકશે. આ માટે તાલીમ અને હાર્ડવર્ક પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે SJAG - સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના અભિગમને તેમણે બિરદાવ્યો હતો.
આ પ્રસંગે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ તુષાર ત્રિવેદીએ કહ્યું કે, વર્ષ 1994માં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતની સ્થાપના થઈ છે. રમત ગમત ક્ષેત્રના તજજ્ઞના સહયોગથી અમે આગળ વધ્યા છીએ. રાજ્યનો રમતગમત વિભાગ અમારા માટે સહયોગી બન્યો છે. રમતો જ છે તે સંકળાયેલા લોકો સાથે ઉઘડતા રમતરોને યથોચીત સન્માન થાય અને રાજ્યની પ્રતિભાવો રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળે તે પ્રકારના પ્રયાસો સંસ્થા દ્વારા કરાય છે. આજે પણ 20 જેટલા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 20 રમતવીરોનું સન્માન કરાયું
ઈમર્જીંગ પ્લેયર તરીકે કરાટેમાં અમાયરા વરુણ પટેલ, સ્વિમરમાં અરહાન હર્ષ, બિલિયર્ડ્સ આન્યા પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે પ્લેયર ઓફ ધ ગેમમાં રુચિત મોરી- એથ્લેટિક્સ, અવંતિકા નેગી-જિમ્નાસ્ટ, કૃષ્ણપાલસિંહ ગોહિલ -બાસ્કેટબોલ, હવિશા બજાજ- બાસ્કેટબોલ, ધ્રુવિલ પટેલ -વોલીબૉલ, મોહમ્મદ મુર્તુઝા વાણીયા- ડેફ શૂટર, ખુશ્બુ સરોજ -ફૂટબોલમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ અનિકેત પટેલ - સોફ્ટ ટેનિસ, ઉર્વિલ પટેલ- ક્રિકેટર, ધ્વજ હારિયા - બિલિયર્ડ્સ, માનુષ શાહ - ટેબલ ટેનિસ, વિશ્વા વાસણાવાળા- ચેસ, જ્યારે કોન્ટ્રિબ્યૂશન ઈન સ્પોર્ટ્સમાં મકસૂદભાઈ -બોક્સિંગ કોચ, કુશલ સંગતાણી- ટેબલ ટેનિસ - શ્રીમલ ભટ્ટ, ટેનિસમાં એવોર્ડ એનાયત થયા છે. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમ્પાયર મહેન્દ્ર પંડ્યા અને ક્રિકેટ કોચ એમ.એસ.કુરૈશીને એનાયત કરવામાં આવ્યા છે.
આ અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે, સિનિયર ઇન્ડિયન ઓલમ્પિકના વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ, તેમજ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના હોદ્દેદારો, પદાધિકારીઓ, રમત ગમત ક્ષેત્રે સંકળાયેલા ખેલાડીઓ તેમજ કોચ ઉપસ્થિત રહ્યાં હતા.








