Mehsana/ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ₹30,000ના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા
ઉત્તરાયણ પર્વ નજીક આવતાની સાથે જ પ્રતિબંધિત નાયલોન (ચાઇનીઝ) દોરીનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામ

ઉત્તરાયણ પર્વ નજીક આવતાની સાથે જ પ્રતિબંધિત નાયલોન (ચાઇનીઝ) દોરીનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. મહેસાણા તાલુકા પોલીસે ગેરકાયદેસર રીતે નાયલોન દોરીનું વેચાણ કરનાર બે ઈસમોને ઝડપી પાડ્યા છે.
જાહેરનામાનો ભંગ: 50 રીલો જપ્ત
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મહેસાણા તાલુકા પોલીસે જગુદણ-લીંચ જતા રોડ પરથી તપાસ દરમિયાન બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નાયલોન દોરીનો જથ્થો મળી આવ્યો હતો. ચાઇનીઝ દોરીના 50 નંગ રીલો મળી આવી હતી. જપ્ત કરાયેલ દોરીની કુલ કિંમત આશરે ₹30,000 આંકવામાં આવી છે.
મહેસાણા પોલીસે આ બંને ઈસમો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. પોલીસે આ નાયલોન દોરીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેઓ ક્યાં વેચાણ કરવાના હતા, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
નાયલોન દોરી માનવ અને પશુ-પક્ષીઓ માટે ઘાતક હોવાથી તેના વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીના કારણે ગેરકાયદેસર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.








