અમેરિકાના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં વેપારીને આ રીતે ફસાવી પડાવી લેવાયા 10 લાખ
સુરતમાં કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા મસાલાના વેપારી અન

સુરતમાં કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા મસાલાના વેપારી અને તેમની પત્નીએ અમેરિકાના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં 10 લાખ ગુમાવ્યા છે. વેપારી યશ અજીતકુમાર પટેલે કતારગામ પોલીસમાં લેભાગુ એજન્ટ કાર્તિક મુકુન્દ પારેખ(રહે.હરિયાળા,ખેડા)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.
અમેરિકામાં મોલ ચાલુ કરવા કહ્યું
એજન્ટ સાથે સંબંધી મારફતે ઓળખાણ થઈ હતી. એજન્ટે વેપારીને કહ્યું કે, મારી અમેરિકામાં મોટેલ, કસીનો, બાર્બર શોપ ઉપરાંત શિકાગોમાં શોપ હોવાની વાત કરી હતી. એજન્ટ કાર્તિકે પત્ની અનુ શર્માના નામે અમેરિકામાં મોલ ચાલુ કરવા કહ્યું હતું અને વિઝા માટે વ્યકિતદીઠ 20 લાખ માગ્યા હતા. વેપારી યશ પટેલે પોતાના ઘરે એજન્ટ કાર્તિક પારેખને 7 લાખ રોકડા અને 3 લાખ ચેકથી આપ્યા હતા.
સપના બતાવી ગાયબ
લેભાગુએ વેપારીને ગાંધીનગર ખાતે નવા મકાનનું વાસ્તુનું નિમંત્રણ આપ્યું હતું. થોડા દિવસો પછી વેપારીએ એજન્ટના એડ્રેસ પર જતા ત્યાં કોઈ ઘર ન હતું. આથી વેપારીને શંકા ગઈ હતી. વેપારી અને તેની પત્નીને અમેરિકા મોકલવાના એજન્ટે સપના બતાવી 10 લાખ લઈ ગાયબ થયો હતો. લાખોની રકમ ગુમાવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ આપી છે.








