મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

HMPVનો કેસ નીકળતાં શેરબજાર હચમચી ગયું! બે દિવસમાં રોકાણકારોએ ₹11 લાખ કરોડ ગુમાવ્યા

અમેરિકન શેરબજારોમાં વધારો થયો હોવા છતાં, ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો

HMPVનો કેસ નીકળતાં શેરબજાર હચમચી ગયું! બે દિવસમાં રોકાણકારોએ ₹11 લાખ કરોડ ગુમાવ્યા

અમેરિકન શેરબજારોમાં વધારો થયો હોવા છતાં, ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં એટલે કે સોમવાર (6 જાન્યુઆરી)ના રોજ ઘટ્યા હતા. ભારતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના 2 કેસ નોંધાયા બાદ બજારમાં વ્યાપક વેચાણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: શેરબજારની હલચલ/ સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, આ કંપનીના શેરમાં કડાકો

સોમવારે (6 જાન્યુઆરી)ના રોજ 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 50 પોઈન્ટથી વધુ વધીને 79,281.65 પર ખુલ્યો હતો. થોડી વધઘટ પછી તે લાલ નિશાનમાં સરકી ગયો. ટ્રેડિંગ દરમિયાન તે ઘટીને 1440 પોઈન્ટ થઈ ગયો હતો. અંતે, સેન્સેક્સ 1258 પોઈન્ટ અથવા 1.59% ના ઘટાડા સાથે 77,964.99 પર બંધ થયો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 પણ ઉછાળા સાથે ખુલ્યો હતો. ભારે વેચવાલી બાદ 24,700ની સપાટીની નીચે સરકી ગયો. અંતે, નિફ્ટી 388.70 પોઈન્ટ અથવા 1.62%ના નોંધપાત્ર  ઘટાડા સાથે 23,616.05 પર બંધ થયો.

ટાઇટન અને સન ફાર્માને બાદ કરતાં તમામ શેરો ગગડ્યા

સેન્સેક્સની 30 કંપનીઓમાં સન ફાર્મા અને ટાઇટન સિવાયના તમામ શેર્સ ઘટાડા સાથે બંધ થયા છે. ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ 4%થી વધુનો ઘટાડો થયો હતો. કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઈન્ટ્સ અને અન્ય તમામ શેરોમાં ઘટાડો હતો.

તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે

તમને જણાવી દઈએ કે આજના કારોબારમાં તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. જેમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ સૌથી ઓછો ઘટ્યો છે જ્યારે નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સ સૌથી વધુ તૂટ્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.12% ના ઘટાડા સાથે 43,675 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી ફાર્મા 0.82% ઘટીને 23,073 ના સ્તર પર બંધ થયો. બેન્ક નિફ્ટી 2.09% ઘટીને 49,922 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ઓટો 2.18%ના ઘટાડા સાથે 23,482ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી PSU બેંકમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો અને 4 ટકાના ઘટાડા સાથે 6,354ના સ્તરે બંધ રહ્યો હતો.

આ પણ વાંચો: Tax saving : 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર પણ ઝીરો ટેક્સ, આ કેવી રીતે શક્ય છે, જાણો ખાસ ટિપ્સ

સોમવારે(6 જાન્યુઆરી) શેરબજારમાં શા માટે ઘટાડો થયો?

- એચએમપીવી વાયરસનો પ્રકોપ

કર્ણાટકમાં એચએમપીવીના બે કેસ નોંધાયા છે. અમદાવાદમાં પણ આજે બહારગામથી બે માસના બાળકનો એક કેસ આવ્યો છે. આ વાયરસના શરૂઆતના લક્ષણો બિલકુલ કોરોના મહામારી જેવા છે, જેમાં દર્દીને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. દર્દીને હળવોથી મધ્યમ તાવ, ઉધરસ, વહેતું નાક, છાતીમાં ભરાવો  અને થાકનો પણ અનુભવ થાય છે.

- હેવીવેઇટ શેરોમાં ઘટાડો

ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, કોટક બેન્ક, ટાટા મોટર્સ અને આઇટીસી જેવા હેવીવેઇટ શેરોમાં વેચવાલીથી બજાર નીચે તરફ ખેંચાયું હતું.

- રૂપિયો ઓલ ટાઇમ લો સપાટી પર

ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી ગયો છે. સોમવારે (6 જાન્યુઆરી)ના રોજ યુએસ ચલણ સામે રૂપિયો ઘટીને રૂ. 85.82 થયો હતો. આ તેનું ઓલ ટાઈમ લો લેવલ છે.

- એશિયાઇ બજારોમાં ઘટાડો

એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં હતો જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનો હેંગસેંગ અને જાપાનનો નિક્કી ઘટ્યો હતો.

આ પણ વાંચો: OYOએ પોતાના નિયમોમાં કર્યા મોટા ફેરફાર, હોટેલમાં અપરિણીત યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ

- રોકાણકારોને રૂ. 12 લાખ કરોડનું નુકસાન થયું છે

શેરબજારમાં ચોતરફ વેચવાલીને કારણે રોકાણકારોને રૂ. 12 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ (એમકેપ) રૂ. 12,38,638 કરોડ ઘટીને રૂ. 4,38,95,210 લાખ કરોડ થયું હતું. શુક્રવારે તે રૂ. 45,133,848 કરોડ હતો.

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં હતો જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનો હેંગસેંગ અને જાપાનનો નિક્કી ખોટમાં હતો. શુક્રવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા.

શુક્રવારે બજાર કેવું હતું?

બીએસઇ  સેન્સેક્સ શુક્રવારે (3 જાન્યુઆરી) ના રોજ 720.60 પોઈન્ટ અથવા 0.90% ઘટીને 79,223.11 પર બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી-50 183.90 પોઈન્ટ અથવા 0.76% ઘટીને 24,004.75 પર બંધ થયો હતો. આ રીતે છેલ્લા બે દિવસમાં સેન્સેક્સમાં લગભગ 2000 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.

આ સમાચાર શેર કરો