એશિયન બજારોમાં કડાકા વચ્ચે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો; સેન્સેક્સમાં 900 તો નિફ્ટીમાં 260થી વધુ પોઇન્ટની તેજી

અમેરિકામાં મોંઘવારી (ઇન્ફ્લેશન) ના આંકડા અપેક્ષા કરતા વધુ આવવા, ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો અને નબળા વૈશ્વિક સંકેતો છતાં આજે ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. બજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે એશિયન બજારોમાં કડાકાની સ્થિતિ છે છતાં ભારતીય શેરબજારમાં દમદાર તેજી જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ગઈકાલના 72,781.89 ના બંધ સામે આજે 72,965.80 ના મથાળે પોઝિટિવ ખૂલ્યો હતો. આજે કારોબાર દરમિયાન સેન્સેક્સે 73,712.56 ની ઉચ્ચી સપાટી સ્પર્શી હતી. આમ, સેન્સેક્સમાં આજે 931 પોઇન્ટનો કુલ ઉછાળો નોંધાયો છે અને હાલ તે 1.21% ના વધારા સાથે 73,660.51 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી-50 (Nifty 50) પણ ગઈકાલના 22,622.70 ના બંધ સામે આજે વધીને 22,671.30 ના સ્તરે ઓપન થયો હતો. શરૂઆતી કારોબારમાં જ નિફ્ટીએ 22,891.90 ની ઊંચી સપાટી બનાવી હતી. આ સાથે જ નિફ્ટીમાં આજે 269 પોઇન્ટનો કુલ ઉછાળો જોવા મળ્યો છે અને સમાચાર લખવા સુધીમાં નિફ્ટી 1.14% ના ઉછાળા સાથે 22,881.50 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. વૈશ્વિક સ્તરે અસ્થિરતા હોવા છતાં સ્થાનિક બજારમાં ખરીદીનું જોર જળવાઈ રહ્યું છે.






