મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

PF ખાતામાંથી વારંવાર પૈસા ઉપાડનારા સાવધાન! EPFO એ નિયમો બદલ્યા, વિડ્રોઅલ પર લગાવી નવી લિમિટ!

PF ખાતામાંથી વારંવાર પૈસા ઉપાડનારા સાવધાન! EPFO એ નિયમો બદલ્યા, વિડ્રોઅલ પર લગાવી નવી લિમિટ!

જો તમે પણ પીએફ ખાતામાંથી વારંવાર નાણાં ઉપાડો છો તો સાવધાન થઈ જજો, કારણ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ એડવાન્સ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે દરેક કેટેગરી માટે પીએફમાંથી ઉપાડની ચોક્કસ લિમિટ નક્કી કરી દેવામાં આવી છે.

EPFOએ સુધાર્યા કેટલાક નિયમ

EPFOના સુધારેલા નિયમો હેઠળ આવશ્યક જરૂરિયાતો, આવાસ સંબંધિત ખર્ચાઓ અને સ્પેશિયલ કન્ડિશન માટે વિડ્રોઅલની મર્યાદા નક્કી કરાઈ છે. આ ગાઇડલાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય એ સ્પષ્ટ કરવાનો છે કે, સભ્યો અલગ-અલગ હેતુઓ માટે પોતાની પીએફ બચતનો ઉપયોગ કેટલી વાર કરી શકે છે. EPFO એ વિડ્રોઅલને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચ્યું છે, આવશ્યક જરૂરિયાતો, આવાસ સંબંધિત જરૂરિયાતો અને સ્પેશિયલ કન્ડિશન.

શિક્ષણ માટે 10 વાર ઉપાડ

શિક્ષણ સંબંધિત ખર્ચાઓ માટે સભ્ય પોતાની ઈપીએફ સભ્યપદની અવધિ દરમિયાન વધુમાં વધુ 10 વાર ઉપાડ કરી શકે છે. આ જોગવાઈ સભ્ય અને તેમના પરિવારના શિક્ષણ ખર્ચને આવરી લે છે.

મેડિકલ અને લગ્ન માટેના નિયમો

મેડિકલ: કેટેગરી 1 હેઠળ આવશ્યક જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આ હેઠળ પીએફ સભ્ય પોતાના અને પોતાના પરિવારના મેડિકલ ખર્ચ તથા બીમારી માટે કોઈ પણ નક્કી કરેલી સીમા વિના નાણાં ઉપાડી શકે છે.
લગ્ન પ્રસંગ: લગ્ન સંબંધિત ખર્ચાઓ માટે સભ્ય પોતાની સભ્યપદ અવધિ દરમિયાન વધુમાં વધુ 5 વાર પીએફ માંથી એડવાન્સ રકમ ઉપાડી શકે છે.

ઘર બનાવવા અને અન્ય જરૂરિયાતો માટે

ઘર કે ફ્લેટની ખરીદી, ઘરનું નિર્માણ, હોમ લોન રિપેમેન્ટ અને ઘરના રિનોવેશન માટે સભ્યો પોતાની ઈપીએફ સભ્યપદ દરમિયાન વધુમાં વધુ 5 વાર ઉપાડ કરી શકે છે. જ્યારે કેટેગરી 3, જેમાં સ્પેશિયલ કન્ડિશન હેઠળ વર્ષમાં વધુમાં વધુ 2 વાર પીએફ માંથી નાણાં ઉપાડી શકાશે.

આ ઉપરાંત, EPFO એ જણાવ્યું છે કે, સભ્યપદના 12 મહિના પૂરા થયા બાદ કર્મચારી પોતાના પીએફ બેલેન્સમાંથી વ્યાજ સાથે 75 ટકા રકમ ઉપાડી શકે છે, જેથી કર્મચારીઓને નાણાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ સમાચાર શેર કરો