રાજકોટ TRP ગેમઝોન કાંડ/ ભાજપના ટોચના નેતા સાગઠિયાને મળવા માટે પોલીસ કસ્ટડીમાં કેમ ગયા? તપાસની માંગ
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં મનપાના સસ્પેન્ડ કરાયેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી છે

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં મનપાના સસ્પેન્ડ કરાયેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી છે. મનસુખ સાગઠિયા પાસેથી અપ્રમાણસરની કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવતા પોલીસ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે.રાજકોટ ભાજપના ટોચના નેતા મનસુખ સાગઠિયાને મળવા માટે પોલીસ કસ્ટડીમાં ગયા હોવાનો આરોપ લાગ્યો છે. ભાજપના ચાણક્ય ગણાતા સાગઠિયાને મળવા માટે કેમ ગયા તેવા પણ સવાલ ઉભા થઇ રહ્યાં છે.
મનસુખ સાગઠિયાને મળવા માટે ભાજપના નેતા કેમ ગયા?
રાજકોટમાં ભાજપના ટોચના નેતા રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનીયા પોલીસ કસ્ટડીમાં રહેલા મનસુખ સાગઠિયાને મળવા માટે ગયા હતા. રમેશ રૂપાપરા આરડીના હુલામણા નામે રાજકોટમાં જાણીતા છે. રૂપાપરા અને ખીમાનીયા સાગઠિયાને કેમ મળ્યા તેવા પણ સવાલ ઉભા થયા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા સાગઠિયાની સાથે ભાજપમાં પોતાને ચાણક્ય ગણાવતા રૂપાપરા વચ્ચે શું વાતચીત થઇ? પદાધિકારી કે મોટા નેતાનું નામ સાગઠિયા ના આપે કે નિવેદનમાં બોલી ન જાય એ માટે મળ્યા હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
જોકે, ભાજપના બન્ને નેતાઓ સાગઠિયાને મળ્યા હોવા અંગે પોલીસે ઇનકાર કર્યો છે પરંતુ CCTV ફૂટેજ હંમેશા સત્ય બોલે છે. નવા પોલીસ કમિશનર CCTV ચેક કરાવે તો જ સત્ય બહાર આવે...!!! મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા જીગ્નેશ મેવાણીએ પમ ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને મનસુખ સાગઠિયા વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ તપાસની માંગ કરી છે.
મનસુખ સાગઠિયા પાસેથી મળી કરોડોની મિલકત
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડ કરાયેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઇતિહાસમાં કોઇ ભ્રષ્ટ અને ક્લાસ-1 અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે. ACBએ તપાસ શરૂ કરતાં વર્ષ 2012થી 2024 દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીત રસમો અપનાવી 10 કરોડ 55 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવ્યું છે.








