VIDEO:સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતીને નુકસાન, એક્સપ્રેસ વેના નિર્માણથી ખેતરોમાં ભરાયા પાણી
સુરતના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદથી હવે ખેતીને નુકસાન થઈ રહ્યું છે. હાલ વરસાદ તો બંધ થયો છે. પરંતુ ખ

સુરતના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદથી હવે ખેતીને નુકસાન થઈ રહ્યું છે. હાલ વરસાદ તો બંધ થયો છે. પરંતુ ખેતીમાં સર્જાયેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. પલસાણાના તુંડી ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈ વેના બાંધકામને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા થયેલી ફરિયાદને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતાં.
પાકને નુકસાન
પલસાણા તાલુકામાં ત્રણ દિવસ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. ત્રણ દિવસમાં 12 ઇંચથી વધુ વરસાદ પડતાં ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. તુંડી ગામની સીમમાંથી અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પસાર થઈ રહ્યો છે. જેની કામગીરી ચાલતા હાલ બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે એના તુંડી તેમજ આસપાસના ગામોના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઉભા પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેથી ગામ લોકોએ કલેકટર કચેરીમાં ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું.
લેખિતમાં આપી ફરિયાદ
પલસાણા ખાતે વરસતા વરસાદમાં પ્રાંત અધિકારી, સ્થાનિક મામલતદાર, એક્સપ્રેસ હાઇવેનાં પ્રોજેક્ટ ઓફિસર, પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના તમામ લોકો હાજર રહ્યા હતા. તુંડી ગામે ચાલતા એક્સપ્રેસ હાઇ વેનાં બાંધકામ સાઈટ ઉપર આવી ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીનું નિરીક્ષણ કરી ચર્ચા કરી હતી. ત્યારબાદ તમામ લોકો પલસાણા મામલતદાર કચેરીએ પહોંચી ખેડૂતોની સમસ્યાને લેખિતમાં ફરિયાદ એક્સપ્રેસ હાઇવેનાં અધિકારીને આપી હતી. જેથી તંત્ર દ્વારા પણ સત્વરે કામ ચાલુ કરાવવાની બાયંધરી આપતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.








