મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ગોધરાના વાવડી ખુર્દ ગામે પંચાયતની સામાન્ય સભામાં છુટ્ટા હાથની મારામારી! વિકાસની ચર્ચા હુલ્લડમાં પલટાઈ

ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે પંચાયતની સામાન્ય સભામાં વિકાસના કામોની ચર્ચ

ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે પંચાયતની સામાન્ય સભામાં વિકાસના કામોની ચર્ચા હુલ્લડમાં ફેરવાઇ હતી. અને સામાન્ય ચર્ચામાં હોબાળો થતાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. પંચાયત કચેરી ખાતે યોજાયેલી આ સભામાં સભ્યો અને અન્ય લોકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થતાં મામલો ગરમાયો હતો.

સામાન્ય સભાનો વીડિયો વાયરલ

વાવડી ખુર્દ ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે ગામના વિકાસના કામો અંગે ચર્ચા ચાલી રહી હતી. જોકે, ચર્ચાએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને સભ્યો તેમજ ઉપસ્થિત લોકો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ બાદ મારામારી શરૂ થઈ ગઈ હતી.

ઝપાઝપી અને છુટ્ટાહાથની મારામારીનો આ સમગ્ર ઘટનાક્રમ કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે પંચમહાલ જિલ્લામાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.

બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં ખસેડાયા

પંચાયતની સભામાં થયેલી આ મારામારીની ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ગામના વિકાસના મુદ્દે મળેલી સભામાં મારામારી થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો