VIDEO: અમદાવાદમાં પોલીસકર્મીએ હદ વટાવી, મહિલાને સરાજાહેર લાફો ઝીંક્યો
અમદાવાદ શહેરની પ્રજા જે પોલીસ પાસે રક્ષણની આશા રાખે છે, તે જ પોલીસ હવે પ્રજા પર દાદાગી

અમદાવાદ શહેરની પ્રજા જે પોલીસ પાસે રક્ષણની આશા રાખે છે, તે જ પોલીસ હવે પ્રજા પર દાદાગીરી પર ઉતરી આવી હોય તેવો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને એક મહિલા પર હાથ ઉઠાવ્યો હોવાની ગંભીર ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામના પોલીસકર્મી ફરજ બજાવે છે. આ દરમિયાન એક મહિલાના આઈડી કાર્ડની આપ-લે કરતી વખતે આઈડી કાર્ડ નીચે પડી ગયું હતું. આ સામાન્ય બાબતે પોલીસકર્મી જયંતી ઝાલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ખાખી વર્દીનો પાવર બતાવીને મહિલા સાથે દાદાગીરી શરૂ કરી હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે તેના પર હાથ ઉઠાવી દીધો હતો.
આઘાતજનક બાબત તો એ છે કે, જ્યારે ભોગ બનનાર મહિલા પોતાની સાથે થયેલા અન્યાય બદલ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, ત્યારે ત્યાં તેની ફરિયાદ પણ લેવામાં આનાકાની કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસકર્મી દ્વારા મહિલા સાથે થયેલા આ દુર્વ્યવહારને કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જો કે, પીડિત મહિલા બંસરી ઠક્કરે ટ્રાફિક જવાન વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
ગૃહ મંત્રાલય સુધી મામલો પહોંચ્યો
આ મામલે વિવાદ વધતાં ગૃહ મંત્રાલય સુધી પહોંચતાં કડક કાર્યવાહીના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના સામે આવ્યા બાદથી ચારેકોરથી પોલીસ કર્મચારીની આકરી ટીકા કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો?
મહિલાની અરજીમાં કરેલા ઉલ્લેખ અનુસાર અંજલી ચાર રસ્તા પર શુક્રવારે સાંજે બંસરી ઠક્કરને ટ્રાફિક પોલીસના જવાને રોકી હતી. અને તેની પાસે લાયસન્સની માંગણી કરી હતી. બંસરી ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવવા જતા અચાનક ટ્રાફિક પોલીસ જવાન ઉશ્કેરાયો હતો. ટ્રાફિક પોલીસ જવાનનો આઈડી કાર્ડ નીચે પડી જતા તેણે મોપેડને લાત મારી હતી. બાદમાં ટ્રાફિક પોલીસ જવાને બંસરીને લાફા માર્યા હતા. જેથી બંસરીને ઇજા થતાં સમગ્ર મામલો પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બંસરીએ 112 પોલીસ કંટ્રોલમાં કોલ કર્યો હતો. શરૂઆતમાં પાલડી પોલીસે ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હતો. બંસરીને ક્રોસ ફરિયાદ થશે તેવી ધમકી આપી હતી. જોકે હવે મામલો મીડિયા સુધી પહોંચતા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.







