VIDEO: અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહમાં અંતિમવિધિમાં હાલાકીને લઈ વિપક્ષનો ભારે વિરોધ
VIDEO: અમદાવાદ શહેરમાં આવેલી AMC કચેરમાં વિપક્ષ કોંગ્રેસના કાર્યકરોએ મોટી
VIDEO: અમદાવાદ શહેરમાં આવેલી AMC કચેરમાં વિપક્ષ કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી ઓઢવ સ્મશાન ગૃહમાં લીલાં લાકડાંને લીધે અંતિમવિધિમાં પડેલી હાલાકીને લઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો. AMC કચેરીમા વિપક્ષના સભ્યોએ હાથમાં લાકડાં, બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ ઠાલવ્યો હતો.
જાણો શું છે મામલો
અમદાવાદમાં આજથી બે દિવસ અગાઉ ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં સ્વજનના અંતિમ સંસ્કાર માટે પહોંચેલા એક પરિવારે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે લાકડાંના અભાવ અને ભીના લાકડાંને કારણે ટાયર અને ગોદડાનો સહારો લેવાની શરમજનક ઘટના સામે આવી હતી. આ ગંભીર બેદરકારીને કારણે લોકોમાં ઓઢવ સ્મશાનના કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સામે ભારે રોષ ફેલાયો છે.
મૃતક પરિવારજનોનો આક્ષેપ છે કે, જ્યારે તેઓ અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહ પહોંચ્યા, ત્યારે ત્યાં લાકડાંનો મોટો અભાવ હતો અને જે લાકડાં ઉપલબ્ધ હતાં તે પણ વરસાદી માહોલને કારણે ભીનાં હોવાથી સળગ્યાં નહોતાં. પરિસ્થિતિ એવી બની કે, સ્વજનોએ પોતાના પરિવારના મૃતકને અગ્નિદાહ આપવા માટે ટાયર અને ગોદડાનો સહારો લેવો પડ્યો હતો. આ ઉપરાંત અંતિમ સંસ્કાર માટે પોતાના ખર્ચ કરીને ઘી અને તલ ખુદના ખર્ચે લાવવા પડ્યા હતા.
સ્માર્ટ સિટીમાં સુવિધાનો અભાવ
અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટીની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, ત્યારે જીવનના અંતિમ પડાવ પર પણ નાગરિકોને યોગ્ય સુવિધાઓ ન મળવી એ અત્યંત શરમજનક બાબત છે. આ ઘટનાને લઈને નાગરિકોમાં AMCના વહીવટ સામે ભારે ગુસ્સો ફેલાયો છે. લોકોની માંગ છે કે, તાત્કાલિક આ મામલાની તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.








