VIDEO: BZના ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ધારાસભ્ય ધવલસિંહની જુગલબંધી,ડાયરામાં રૂપિયાનો કર્યો વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લી ગુજરાતના અનેક જિલ્લામાં 6 હજાર કરોડ રૂપિયાનું BZ કૌભાંડ સામે આવ્યું છ
સાબરકાંઠા અને અરવલ્લી ગુજરાતના અનેક જિલ્લામાં 6 હજાર કરોડ રૂપિયાનું BZ કૌભાંડ સામે આવ્યું છે. હવે આ કૌભાંડ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ડાયરામાં તેઓ રૂપિયાનો વરસાદ કરતા જોવા મળી રહ્યાં છે.
ડાયરામાં ધવલસિંહ-ભૂપેન્દ્રસિંહે કર્યો પૈસાનો વરસાદ
ડાયરામાં બાયડના ધારાસભ્ય અને BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહની જુગલબંધી સામે આવી છે. એક ડાયરામાં આ બન્ને રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા. માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો હતો.
ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ પૈસા ઉડાવતા જોવા મળ્યા
આ સાથે જ રાજભા ગઢવીના લોક ડાયરામાં અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ પણ રૂપિયા ઉડાવતા જોવા મળ્યા હતા. આ સાથે જ રાજ્ય કક્ષાના મંત્રીના પુત્ર કિરણસિંહ પરમારનો પણ લોકગાયક ઉપર રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા.ભૂપેન્દ્ર સિંહ ઝાલાના મૈત્રી ફાઉન્ડેશનમાં અમીશ પટેલ અને મંત્રી પુત્ર કિરણસિંહ પરમારની થોડા દિવસો પૂર્વે ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે.
ભાજપના નેતાઓ અને તેમના પુત્રો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સબંધ
BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ તપાસમાં રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના તાર કપડવંજની એક સંસ્થા સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. મૈત્રી ફાઉન્ડેશન નામની સંસ્થા BZ ગ્રુપ સાથે જોડાયેલી છે. મૈત્રીના ખજાનચી અને કાવઠ ગામના રહેવાસી અનિલ રોહિતે જણાવ્યું કે, ‘મૈત્રી સંસ્થા BZ ગ્રુપ સાથે મળી ગરીબ બાળકો માટે ઘર બનાવવાનું કામ કરે છે. અનિલભાઈ રોહિત સાથે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર અને અરવલ્લી ભાજપ યુવા મોરચાના નેતા અમિષ નગીનભાઈ પટેલ પણ ટ્રસ્ટમાં જોડાયેલા છે.’
આ પણ વાંચો: 11 તોલા સોનાનું મોબાઈલ કવર, એજન્ટોને મર્સિડીસ-આઈફોનની ગિફ્ટ!, 6000 કરોડના BZ કૌભાંડથી લઈને કાર્યવાહી સુધીનો રિપોર્ટ
BZ કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ફરાર
પૉન્ઝી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરનારા બી-ઝેડ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો હતો. આ મામલે હાલ કંઈપણ કહેવા અંગે તપાસ અધિકારીઓએ ચુપકીદી સેવી છે. પરંતુ, આ કૌભાંડની તપાસમાં મસમોટા અને ચોંકાવનારા નામ સામે આવે તેવી સંભાવના છે.








