VIDEO: કંગનાના મતવિસ્તારમાં કુદરત બની બેબાક, આભ ફાટતા 10થી વધુ ગુમ, એકનું મોત, અનેક ઘર વહી ગયા
હિમાચલના મંડી જિલ્લાના રાજવન ગામમાં મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. પાણીના જોર

હિમાચલના મંડી જિલ્લાના રાજવન ગામમાં મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. પાણીના જોરદાર પ્રવાહથી અનેક ઘરો ઘરાશાયી થયા છે. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે 10થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. અંતરિયાળ વિસ્તારને કારણે પંચાયતના પ્રતિનિધિઓ અને અધિકારીઓનો સંપર્ક કરી શકતું નથી. મોબાઈલ સેવા તથા માર્ગો પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. નોંધનીય છે કે, મંડી બેઠકથી કંગના રણૌત ભાજપના સાંસદ છે.
મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગન રાહત અને બચાવ ટીમ સાથે ઘટના સ્થિળે માટે રવાના થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF, SDRF અને એરફોર્સની મદદ માંગી છે.
વહીવટી તંત્ર સક્રિય
બુધવારે (31મી જુલાઈ) રાત્રે લગભગ 12 વાગ્યે રાજવન ગામમાં ગાજવીજ વચ્ચે જોરદાર ધડાકો થયો હતો. થોડી જ વારમાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું. માહિતી મળતાં વહીવટી તંત્ર રાત્રીમાં જ સંપૂર્ણ સક્રિય બની ગયું હતું. જિલ્લા વહીવટી તંત્રે દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી છે. ભૂસ્ખલનને કારણે પઠાણકોટ મંડી નેશનલ હાઈવે પણ સ્થળોએ બ્લોક થઈ ગયો છે. અહીં વાહનોની લાંબી કતારો લાગી છે.
કુલ્લુમાં પણ આભ ફાટ્યાં બાદ ભયાનક ભૂસ્ખલન
ઉલ્લેખનીય છે કે, કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ હવે કુલ્લુમાં પણ આભ ફાટવાં અને ભયાનક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા છે. સૌથી વધુ નુકસાન અહીં નિરમંડ ઉપમંડલના બાગીપુલ વિસ્તાર થયું હતું. અહીં લગભગ 9 જેટલાં મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. જેના લીધે એક આખો પરિવાર એટલે કે ચાર લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા હતા.
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લાના ઉપરના ભાગોમાં તબાહી સર્જાઈ છે. શિમલા જિલ્લાના રામપુર ડિવિઝનના ઝાકરી વિસ્તારમાં સમેજ ખાડમાં હાઈડ્રો પ્રોજેક્ટ નજીક મધરાતે વાદળ ફાટવાથી આવેલા પૂરથી અરાજકતા સર્જાઈ હતી અને 22 લોકો લાપતા થઈ ગયા હતા. એ જ રીતે, મંડી જિલ્લાની ચોહર ખીણના તિક્કન થલટુ કોડમાં, ભારે વરસાદ પછી આવેલા પૂરમાં ઘણા ઘરોને નુકસાન થયું હતું અને લોકો બચવા માટે જંગલ તરફ દોડ્યા હતા અને લગભગ ત્રણ લોકો ગુમ હોવાનું કહેવાય છે.
ચોમાસામાં વરસાદને કારણે 114 મકાનોને નુકસાન
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસાની મોસમ દરમિયાન વરસાદ અને ભૂસ્ખલનને કારણે 114 મકાનોને નુકસાન થયું છે. જેમાંથી 19 મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા, જ્યારે 95 મકાનોને આંશિક નુકસાન થયું હતું. આ ઉપરાંત પાંચ દુકાનો અને 87 પશુઓના શેડ પણ ધરાશાયી થયા હતા. રાજ્યમાં ચોમાસાની સિઝનમાં 433 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. જેમાં જાહેર બાંધકામ વિભાગને 189 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા એક મહિનામાં રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 131 લોકોના મોત થયા છે. જેમાં 66 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. જ્યારે ઊંચાઈ પરથી લપસી જવાથી, ડૂબી જવાથી, વીજ કરંટ લાગવાથી અને સર્પદંશથી 65 મૃત્યુ થયા છે.
રાજ્યમાં 36 ટકા ઓછો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી રાજ્યમાં સામાન્ય કરતાં 36 ટકા ઓછો વરસાદ થયો છે. લાહૌલ-સ્પીતિમાં સામાન્ય કરતાં 79 ટકા ઓછું, કિન્નરમાં 49 ટકા, ઉનામાં 47 ટકા, ચંબામાં 45 ટકા, હમીરપુરમાં 41 ટકા, સિરમૌરમાં 44 ટકા, સોલનમાં 43 ટકા, બિલાસપુર અને કુલ્લુમાં 31 ટકા, 15 ટકા કાંગડામાં મંડીમાં 17 ટકા ઓછો અને શિમલામાં 14 ટકા ઓછો વરસાદ થયો છે.








