VIDEO/ "ઝાલમુડી મેં ખાધી ને ઝાળ TMCને લાગી", મતદાનના દિવસે PM મોદીનો મમતા પર કટાક્ષ
કૃષ્ણનગર/કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 152 બેઠકો પર

કૃષ્ણનગર/કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 152 બેઠકો પર જ્યારે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કૃષ્ણનગર ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ તાજેતરમાં વાયરલ થયેલા તેમના 'ઝાલમુડી' વીડિયોનો ઉલ્લેખ કરીને મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધ્યું હતું.
ઝાલમુડી પર જામ્યો જંગ
થોડા દિવસો પહેલા પીએમ મોદીએ ઝારગ્રામમાં એક નાની દુકાને રોકાઈને રૂ. 10માં બંગાળનો પ્રખ્યાત નાસ્તો 'ઝાલમુડી' ખાધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થયો હતો, જેને ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા.
આ ઘટના પર કટાક્ષ કરતા પીએમ મોદીએ આજે કહ્યું: "મેં સાંભળ્યું છે કે ઝાલમુડીએ કેટલાક લોકોને જોરદાર ઝટકો આપ્યો છે. ઝાલમુડી મેં ખાધી પણ તેની ઝાળ TMCને લાગી છે! પશ્ચિમ બંગાળમાં કમળ ખીલવું નક્કી છે. 4 મેના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે વિજયની મીઠાઈ પણ વહેંચાશે અને ઝાલમુડી પણ વહેંચાશે."
મમતા બેનર્જીનો વળતો પ્રહાર: "આ માત્ર નાટક છે"
TMC સુપ્રીમો મમતા બેનર્જીએ પીએમના આ વીડિયોને 'પૂર્વયોજિત નાટક' ગણાવ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે: જો આ અચાનક મુલાકાત હતી, તો ત્યાં પહેલેથી કેમેરા કેવી રીતે ગોઠવાયેલા હતા? શું પીએમ મોદી ક્યારેય ખિસ્સામાં 10 રૂપિયાની નોટ રાખે છે? મમતાએ પીએમને પડકાર ફેંકતા કહ્યું કે, "ઝાલમુડી તો ઠીક, માછલી રાંધીને ખાઈ બતાવો, હું જાતે તમારા માટે રસોઈ બનાવીશ."
પ્રથમ તબક્કાનું મતદાન અને સ્થિતિ
બંગાળમાં 16 જિલ્લાની 152 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં અંદાજે 41.11% મતદાન નોંધાયું છે.
-
સુરક્ષા: કેન્દ્રીય દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.
-
ઘટના: મુર્શિદાબાદમાં કેટલીક જગ્યાએ નજીવી હિંસાના અહેવાલો મળ્યા છે, જ્યારે ઝારગ્રામમાં એક હાથીએ મતદાન મથક પાસે આવી ચડતા થોડો સમય અફરાતફરી મચી હતી.
-
પરિણામ: પશ્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં મતદાન છે અને પરિણામ 4 મે, 2026 ના રોજ જાહેર થશે.






