Video: દિવાળી, છઠ્ઠ અને ચૂંટણીને લઈને ટ્રેનોમાં ભારે ધસારો, ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી કતારો
નજીકમાં આવી રહેલા તહેવારો જેમ કે દિવાળી અને છઠ્ઠ પર્વ તેમજ બિહારની ચૂંટણીઓને
નજીકમાં આવી રહેલા તહેવારો જેમ કે દિવાળી અને છઠ્ઠ પર્વ તેમજ બિહારની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરતનું ઉધના રેલવે સ્ટેશન મુસાફરોની ભારે ભીડથી ઊભરાઈ ગયું છે. મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાત વર્ગ પોતાના માદરે વતન (ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ) જવા માટે રવાના થઈ રહ્યા છે, જેના કારણે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે.
મુસાફરોની સંખ્યા એટલી વધારે છે કે સ્ટેશન પર ટિકિટ લેવા અને ટ્રેનમાં ચઢવા માટે રાતથી જ લોકોની લાંબી કતારો લાગી ગઈ છે. તહેવારોની સિઝનમાં ટ્રેનોમાં જગ્યા મેળવવી મુશ્કેલ બની જતાં લોકો વહેલી સવારથી જ સ્ટેશન પર ધામા નાખીને બેઠા છે.
CCTV કેમેરા
મુસાફરોની આ બેફામ ભીડને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલવે પોલીસ દ્વારા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે CCTV કેમેરા ઉપરાંત અત્યાધુનિક ડ્રોન સર્વેલન્સ દ્વારા સમગ્ર પરિસર પર નજર રાખવામાં આવી રહી છે. ડ્રોનનો ઉપયોગ કરીને ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.
તહેવારોની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી ઉધના સ્ટેશન પર આ પ્રકારનો ધસારો અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તેવી શક્યતા છે. મુસાફરોને નિયમોનું પાલન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.







