સુરતઃ પરિવાર ઉંઘતો હતો ને પતરા પરથી ઘરમાં પટકાઈ ગાય, VIDEOમાં જુઓ પછી કેવી હાલત થઈ
સુરતના ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી. ગુરુવારે રાત્રે એક રૂમના

સુરતના ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી. ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી ગઈ હતી. દરમિયાન રૂમનું પતરું તૂટી જતાં રૂમમાં સૂતેલા પરિવારના મોભી સહિત ત્રણને ઈજાઓ થઈ હતી. જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફેક્ચર થયું હતું. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ તેના બે સંતાનને સામાન્ય ઈજા થઈ હતી.
રૂમ પાછળથી ગાય પતરા પર ચડેલી
મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અન્સારી હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ દસ્તગીર નગરમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સુઈ ગયો હતો. દરમિયાન મધરાત્રે 2 વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી. દરમિયાન તે પતરું તૂટી ગયો હતો. જેથી રૂમમાં સૂતેલા સમીમના ઉપર ગાય પટકાઈ હતી.
પગમાં પણ થયુ ફ્રેક્ચર
અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફેક્ચર થઈ ગયું હતું. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તેમજ ઘટનામાં સમીમના રાશિફ અને નશિબા નામના સંતાનને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.








