VIDEO: ગુજરાતના રાજકારણનો આજે સુપર સન્ડે, 9263 બેઠકો માટે 25537 ઉમેદવારો વચ્ચે જંગ
ગુજરાતના રાજકારણનો આજે સુપર સન્ડે છે. આજે વિધાનસભા ચૂંટણીની સેમી ફ

ગુજરાતના રાજકારણનો આજે સુપર સન્ડે છે. આજે વિધાનસભા ચૂંટણીની સેમી ફાઈનલ એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યુ છે. સત્તાધારી પક્ષ ભાજપ માટે પોતાનો ગઢ સાચવવાનો પડકાર છે, તો વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે.ગરમીના પારા વચ્ચે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
કુલ 9 હજાર 268 બેઠકો પર આ ચૂંટણી
આજે 15 મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. કુલ 9 હજાર 268 બેઠકો પર આ ચૂંટણી યોજાઈ રહી છે.સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.જેનું પરિણામ 28 એપ્રિલે જાહેર થશે. આ ચૂંટણીમાં 4 કરોડ 18 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી માટે કુલ 49 હજાર 500થી વધુ મતદાન મથકો ઉભા કરાયા છે.
4 કરોડ મતદારો મતદાન કરશે
2196 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે.40816713 મતદારો આજે કરશે મતદાન,264715 પોલિંગ સ્ટાફ કામગીરીમાં રહેશે, 92583 પોલીસ કર્મચારી ફરજ પર રહેશે, 122951 બીયુ મશીન મતદાન માટે રહેશે, 108188 સીયુ મશીન મતદાન માટે રહેશે, 9263 બેઠકો માટે 25537 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.9263માંથી 736 બેઠકો બિન હરિફ થઇ છે.
વિવિધ મથકો પર ચુસ્ત બંદોબસ્ત
મતદાન મથકની સંવેદનશીલતા મુજબ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. સુરક્ષા વ્યવસ્થામાં AI ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. સીસીટીવી નેટવર્ક એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ મતદાન મથકો પર ચાપતી નજર રખાશે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર, લોકોને ગુમરાહ કરતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર તત્વો સામે કડક પગલા ભરાશે. મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં મતદાન યોજાય તે માટે રાજ્ય પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે.
મનપાની કેટલી બેઠકો બિનહરિફ જાહેર થઇ?
આ ચૂંટણીમાં કુલ 15 મહાનગરપાલિકાઓની 43 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેના કારણે હવે બાકીની 1001 બેઠકો પર રસાકસી જામી છે. 1.10 કરોડથી વધુ મતદારો આજે કુલ 3145 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે, જેના પરિણામો આગામી 28 એપ્રિલે જાહેર થશે.
નવી રચાયેલી 9 મનપામાં પહેલીવાર ચૂંટણી
ગુજરાતમાં 15 વર્ષના લાંબા અંતરાલ બાદ શહેરી શાસન વ્યવસ્થામાં મોટો બદલ જોવા મળ્યો છે, જ્યાં 2025માં નવી રચાયેલી 9 નવી મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી હતી. રાજ્યમાં ભાજપના મજબૂત ગઢ સમાન ગણાતા શહેરી વિસ્તારોમાં પકડ વધુ સુદ્રઢ કરવાના હેતુથી નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, જેની હવે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. અગાઉ વર્ષ 2002માં જૂનાગઢ અને ત્યારબાદ છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના થઈ હતી. આ વખતે રાજ્યની 6 જૂની અને 9 નવી મળી કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે, જે રાજ્યના રાજકીય ફલક પર વિકાસ અને સત્તાના સમીકરણો માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.















