VIDEO: ચાલતી ટ્રેનની બારીમાં 8 કિમી સુધી લટકતો રહ્યો યુવક, મોબાઈલ ચોરી કરવા જતા મુસાફરોએ ઝડપી પાડ્યો
બિહારના ખગડિયા જિલ્લા

બિહારના ખગડિયા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો અને સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video) થતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શાતિર ચોર ચાલતી ટ્રેનની બારીમાંથી પેસેન્જરનો મોબાઈલ ફોન આંચકીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ એલર્ટ મુસાફરોએ તેનો હાથ પકડી લીધો હતો, જેના કારણે ચોર ટ્રેનની બહાર હવામાં જ ૮ કિલોમીટર સુધી લટકતો રહ્યો હતો.
માનસીથી ખગડિયા સુધી હવામાં લટક્યો ચોર
મળતી માહિતી મુજબ, આ ઘટના ૯ જુલાઈની મોડી રાત્રે માનસી સ્ટેશન (Mansi station) પર બની હતી. ત્યાંથી પસાર થઈ રહેલી જનહિત એક્સપ્રેસ (Janhit Express) ટ્રેનની બારી પાસે બેઠેલા એક મુસાફરના હાથમાંથી પંકજ યાદવ નામના ચોરે મોબાઈલ સ્નેચિંગનો (Mobile snatching) પ્રયાસ કર્યો હતો. ટ્રેન ઉપડી રહી હોવાથી ચોર ભાગવાની ફિરાકમાં હતો, પણ અંદર બેઠેલા મુસાફરોએ તેનો હાથ મજબૂતાઈથી પકડી લીધો. ટ્રેને સ્પીડ પકડી લેતા ચોર માટે કૂદવું અશક્ય બની ગયું અને તે માનસીથી ખગડિયા સ્ટેશન (Khagaria station) સુધીના આશરે ૮ કિલોમીટરના રૂટ પર ટ્રેનની બહાર બારીએ લટકતો રહ્યો હતો.
મુસાફરોએ પૂછપરછ કરી વીડિયો બનાવ્યો
ચોરનો જીવ અધ્ધર થઈ ગયો હતો અને તે હાથ ન છોડવા માટે આજીજીઓ કરી રહ્યો હતો. ટ્રેનની અંદર બેઠેલા મુસાફરોએ આ સમગ્ર ઘટનાનો મોબાઈલ કેમેરામાં વીડિયો ઉતાર્યો હતો. વાયરલ વીડિયોમાં મુસાફરો તેની પૂછપરછ કરતા સંભળાય છે, જેમાં ચોરે પોતાનું નામ પંકજ યાદવ અને ગામ લખમીનિયા હોવાનું જણાવ્યું હતું.
રેલવે પોલીસે હાથ ધરી તપાસ
જ્યારે ટ્રેન ખગડિયા સ્ટેશન પર આવીને ઉભી રહી, ત્યારે લોકોના ટોળેટોળાં આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા. મુસાફરોએ આ ચોરને તાત્કાલિક રેલવે પોલીસ એટલે કે જીઆરપી (GRP - Government Railway Police) ના હવાલે કર્યો હતો. ખગડિયા જીઆરપી સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે ક્યારથી આ પ્રકારના ટ્રેન ક્રાઈમ (Train crime) ના ગુનાઓમાં સક્રિય છે.








