સોમનાથ કોરિડોર વિવાદ: 500-600 વર્ષ જૂની દરગાહ તોડી પાડવાના મામલે હાઈકોર્ટમાં પિટિશન
સોમનાથ કોરિડોરના વિકાસ વચ્ચે હવે એક નવો કાયદાકીય વિવાદ સામે આવ્યો છે. પ્રભાસ પાટણમાં આવેલી 500થી 600 વર્ષ જૂની પીર અહેમદશાહની દરગાહ અને તેની સાથેની મિલકતો તોડી પાડવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. મુસ્લિમ સમાજના આગેવાનોએ વકફ બોર્ડની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતાં આક્ષેપ કર્યો છે કે, સંયુક્ત ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લીધા વિના એક જ મુતવલ્લીની સહીથી NOC મેળવી જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. એટલું જ નહીં, જમીન સંપાદનની કાયદેસરની પ્રક્રિયા પણ અનુસરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સોમનાથ કોરિડોર માટે પ્રભાસ પાટણમાં આવેલી ઐતિહાસિક પીર અહેમદશાહની દરગાહને દૂર કરવાના મામલે હવે ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની લડાઈ શરૂ થઈ છે.
પિટિશનકર્તાઓના જણાવ્યા મુજબ, આ દરગાહ જૂનાગઢ સ્ટેટના સમયથી રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલી છે. દરગાહની સાથે આશરે 500થી 600 વર્ષ જૂનો ઐતિહાસિક ફારસી શિલાલેખ પણ આવેલો હતો, જેમાં દરગાહના ઇતિહાસનો ઉલ્લેખ હતો. જોકે, કોરિડોરની કામગીરી દરમિયાન દરગાહ, દુકાનો અને અન્ય મિલકતો સાથે આ શિલાલેખ પણ તોડી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
પિટિશનમાં સૌથી મોટો સવાલ વકફ બોર્ડની મંજૂરી પ્રક્રિયા સામે ઉઠાવવામાં આવ્યો છે. વર્ષ 1978થી 1987 દરમિયાન ત્રણ અલગ-અલગ દરગાહનાં ટ્રસ્ટનું એકીકરણ કરીને સંયુક્ત ટ્રસ્ટ બનાવાયું હતું. વર્ષ 1995માં આ ટ્રસ્ટ વકફ હેઠળ નોંધાયું હતું. તેમ છતાં એક હંગામી મુતવલ્લીએ અન્ય ટ્રસ્ટીઓની સંમતિ લીધા વિના એકલાએ NOC આપી દીધી હોવાનો આક્ષેપ કરાયો છે.
પિટિશનકર્તાઓના વકીલની દલીલ છે કે, મુતવલ્લીને મિલકત વેચવાનો અધિકાર પણ નહોતો. તેમ છતાં વકફ બોર્ડે કોઈ યોગ્ય તપાસ કર્યા વિના બીજા જ દિવસે ચાર આદેશો પસાર કર્યા હતા. ત્યારબાદ પોલીસની મદદથી કલેક્ટર દ્વારા દરગાહ અને અન્ય મિલકતો તોડી પાડવામાં આવી હતી.
ઐતિહાસિક શિલાલેખ તોડવા મામલે પણ સવાલ
આ સમગ્ર વિવાદમાં 500થી 600 વર્ષ જૂના ફારસી શિલાલેખનો મુદ્દો પણ મહત્વનો બન્યો છે. સ્થાનિક આગેવાનોએ શિલાલેખના ટુકડાઓ સાચવી લીધા હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, પુરાતત્ત્વ વિભાગે પૂર્વ મંજૂરી વિના રક્ષિત સ્મારકને નુકસાન પહોંચાડવા મામલે કલેક્ટરને નોટિસ આપી જવાબ માગ્યો હતો. જોકે, આજદિન સુધી જવાબ આપવામાં આવ્યો ન હોવાનો પિટિશનમાં ઉલ્લેખ છે.
જમીન સંપાદનની પ્રક્રિયા કેમ ન કરાઈ?
પિટિશનકર્તાઓએ 1951માં સોમનાથ મંદિરના પુનર્નિર્માણ સમયે પણ આ જમીન મેળવવા માટે જમીન સંપાદન અધિનિયમ હેઠળ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે પ્રક્રિયા પાછી ખેંચવામાં આવી હતી. હવે કોરિડોર માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ ત્યારે કાયદેસર નોટિફિકેશન, વાંધા-સૂચનો અને વળતરની પ્રક્રિયા કેમ ન અનુસરાઈ તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે.
ધાર્મિક અધિકારોના ભંગનો પણ આક્ષેપ
પિટિશનમાં 1991ના ધાર્મિક સ્થળો અંગેના કાયદા અને બંધારણની કલમ 25નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરગાહમાં નમાજ, ઉર્સ અને અન્ય ધાર્મિક વિધિઓ માટે આવતા સ્થાનિક ઘાંચી, સૈયદ, કુરેશી અને પટણી સમાજના લોકોને ધાર્મિક અધિકારોથી વંચિત કરાયા હોવાનો આક્ષેપ છે.
સરકારની દલીલ સામે પિટિશનકર્તાઓનો જવાબ
બીજી તરફ, સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે વકફ બોર્ડના આદેશને હાઈકોર્ટના બદલે વકફ ટ્રિબ્યુનલમાં પડકારવો જોઈએ. ઉપરાંત મુતવલ્લીએ મંજૂરી આપી હોવાથી પિટિશનકર્તાઓને કેસ કરવાનો અધિકાર ન હોવાની રજૂઆત પણ કરાઈ હતી.
જોકે, પિટિશનકર્તાઓએ જવાબમાં જણાવ્યું હતું કે દરગાહમાં નમાજ અને ધાર્મિક વિધિઓ માટે આવતા લોકો પણ તેના હિતધારકો છે અને તેમને ન્યાય માગવાનો અધિકાર છે.
હાઈકોર્ટ સમક્ષ મુખ્ય માગ
પિટિશનકર્તાઓએ હાઈકોર્ટ સમક્ષ દરગાહ અને તેની જમીન અંગેની કાર્યવાહી પર તાત્કાલિક સ્ટે આપવાની માગ કરી છે, જેથી ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ઐતિહાસિક અને ધાર્મિક વારસાને વધુ નુકસાન ન થાય.
હવે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ શું વલણ અપનાવે છે અને દરગાહની જમીન સોંપવાની પ્રક્રિયાની કાયદેસરતા અંગે શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર રહેશે.















