Video: "અમારે GIDC નથી જોઈતી!" હરીપર ગામે ખુલ્લા મંચ પર અધિકારીઓ સામે ગ્રામજનોનો જોરદાર આક્રોશ, વાતાવરણ ગરમાયું!

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામમાં નવી ઔદ્યોગિક વસાહત (GIDC) સ્થાપવાના નિર્ણય સામે વિરોધનો વંટોળ વધુ ઉગ્ર બન્યો છે. હરીપર ગામની સીમમાં આવેલી વિવાદિત જમીન પર જીઆઇડીસી બનાવવાના આયોજન સામે ગ્રામજનોમાં લાંબા સમયથી ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના મુજબ જીઆઇડીસીના રિજનલ ઓફિસર અને ઉચ્ચ અધિકારીઓની એક ટીમ ગ્રામજનો સાથે જાહેર મંચ પર ખુલ્લા સંવાદ માટે હરીપર ખાતે પહોંચી હતી.
ખુલ્લા મંચ પર યોજાયો સંવાદ, ગ્રામજનોનો વિરોધ
તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ હરીપર ખાતે કલેક્ટર તંત્રના નિર્દેશ હેઠળ ગ્રામજનો અને જીઆઇડીસીના અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોજેક્ટ અંગે ગ્રામજનોને સમજૂત કરવાનો અને તેમના પ્રશ્નો સાંભળવાનો હતો. જોકે, બેઠક શરૂ થતાં જ ગામના સરપંચ, પંચાયતના પ્રતિનિધિઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ એક અવાજે જીઆઇડીસીના નિર્માણ સામે સખ્ત વાંધો ઉઠાવ્યો હતો.
ગામજનોની મુખ્ય ચિંતાઓ અને આક્ષેપો
લોકસંવાદ દરમિયાન સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આ ઔદ્યોગિક વસાહત ગામથી અત્યંત નજીક બની રહી છે, જેનાથી ગ્રામીણ પર્યાવરણ અને શાંતિ જોખમાશે. આ ઉપરાંત આ જમીન સંપાદનમાં ગામનું તળાવ, ગૌચર તેમજ સ્મશાન જેવી ઉપયોગી જમીનો કપાતમાં જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારો માટે આ નિર્ણય નુકસાનકારક સાબિત થશે તેવી સ્પષ્ટ ચેતવણી આપતાં ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેઓ કોઈપણ ભોગે પોતાની જમીન પર જીઆઇડીસી બનવા દેશે નહીં.
અધિકારીઓ સંવાદ છોડી રવાના થવા મજબૂર બન્યા
જાહેર મંચ પર ગ્રામજનોનો આક્રોશ એટલો પ્રચંડ હતો કે ઉચ્ચ અધિકારીઓની સમજાવટની તમામ કોશિશો નિષ્ફળ નીવડી હતી. સમગ્ર ગામે એકસૂરે જીઆઇડીસીના પ્રસ્તાવને ફગાવી દેતાં વાતાવરણ ગરમાયું હતું. અંતે ગ્રામજનોના ભારે હોબાળા અને વિરોધને જોતાં જીઆઇડીસીના પ્રતિનિધિઓએ સંવાદ કાર્યક્રમ અધવચ્ચેથી પૂર્ણ કરીને પરત ફરવું પડ્યું હતું. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર દ્વારા તેમની માંગણીઓ ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.















