મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યની વિવિધ જેલોમાં રક્ષાબંધનની ઉજવણી, ભાઇ-બહેનનો પ્રેમ જોઇ સર્જાયા ભાવુક દ્રશ્યો

આજે દેશભરમાં ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યની વિવિધ જેલોમાં બંધ

આજે દેશભરમાં ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યની વિવિધ જેલોમાં બંધ પોતાના ભાઇને રાખડી બાંધવા માટે બહેનો ઉમટી પડી હતી. રાજ્યમાં આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદ સાબરમતી જેલમાં રક્ષાબંધનની ઉજવણી

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદ થયેલા કાચા અને પાકા કેદીઓ પણ રક્ષાબંધનની ઉજવણી કરી શકે તે માટે દર વર્ષે જેલ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે આજે અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે વહેલી સવારથી ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા હતા અને લગભગ બે કલાકની લાંબી લાઈનો લગાવ્યા બાદ પોતાના ભાઈને ક્ષણભર મળીને રાખડી બાંધવાનો અવસર પ્રાપ્ત થયો હતો. રાખડી બાંધતી વખતે અને મીઠું કરાવતી વખતે ભાઈ અને બહેન બંનેના આંખમાંથી પ્રેમના આસુ વહ્યા હતા ત્યારે જેલમાં પણ સમગ્ર વાતાવરણ ભાઈ અને બહેનના પ્રેમથી ગમગીન બની ગયું હતું.

સાબરકાંઠા-અરવલ્લીની જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારનને લઇને ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.બહેનોએ ભાઈને પ્રેમથી રાખડી બાંધી આશીર્વાદ આપ્યા. આ દરમિયાન બહેનોની આંખોમાં આંસુ  જોવા મળ્યા હતા. ભાઈએ બહેનોને ગિફ્ટ સ્વરૂપે એક જીવંત વૃક્ષ આપ્યું હતું.

સુરત લાજપોર જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. લાજપોર જેલમાં કેદ મોટી સંખ્યામાં બદીઓને રાખડી બાંધી હતી. જે બદીઓને બહેન નથી તેમને પણ કેટલીક બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.

આ સિવાય મહેસાણા, ભરૂચ, જૂનાગઢ, બોટાદ, વડોદરા, પંચમહાલની જેલોમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઇને રાખડી બાંધવા માટે ઉમટી પડી હતી અને આ દરમિયાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

આ સમાચાર શેર કરો