મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ઓવર સ્પીડમાં દોડતી લક્ઝુરિયસ કારે સુરતમાં પરિવારને કચડ્યો, પિતા-પુત્ર સહિત 3ના મોત

સુરતમાં અકસ્માતો સતત સર્જાતા રહે છે. જો કે, શુક્રવારે મોડીરાત્રીએ સર્જાયેલા અક

સુરતમાં અકસ્માતો સતત સર્જાતા રહે છે. જો કે, શુક્રવારે મોડીરાત્રીએ સર્જાયેલા અકસ્માતે શોકની કાલિમા સર્જી છે. ઓવર સ્પીડમાં દોડતી લક્ઝુરિયસ કારે રાત્રિના બે વાગ્યે રસ્તા પર હવા ખાવા બેઠેલા એક જ પરિવારના સંબંધીઓને અડફેટે લીધા હતાં. જેથી 29 વર્ષના માસા- 6 વર્ષના તેના ભત્રિજા અને તેના પિતાનું મોત નીપજ્યું હતું. જ્યારે સગર્ભા સહિતના 4 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. 

રિંગરોડ પર મોટી દુર્ઘટના

સુરતમાં નવા બની રહેલા રિંગ રોડનું કામ હજુ શરૂ છે. થોડો ભાગ શરૂ થઈ ગયો છે. ત્યારે હવા ખાવાનું સ્થળ બની ગયું હોય તેમ આ રોડ પર લોકો રાત્રિના સમયે બેસવા આવતાં હોય છે. રાત્રિના સમયે હવા ખાવા આવેલા વાઘાણી-વાવડિયા પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમના માટે કાળ સમાન સાબિત થશે. કારણ કે હોન્ડા સિટી કારે ચાર જેટલા ટુ-વ્હિલરને પણ ઉડાડતા એક બાઈક કારની નીચે આવી જતા તેને પણ ઢસડ્યું હતું.

માસા-ભત્રિજાના મોત

રાત્રિના બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુઃખિયાના દરબાર પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પરિવાર સાથે બેસવા આવ્યા હતા

મૃતકના સંબંધીએ કહ્યું કે, બહેન ગામડેથી આવી હતી. જેથી સંબંધીઓ અને અમે બધા ત્યાં બેસવા ગયા હતાં. અચાનક રાત્રિના સમયે 100થી વધુની સ્પીડમાં કાર ચાલક અમારા પર ધસી આવ્યો હતો. કંઈ સમજીએ તે અગાઉ જ કારના ટાયર અમારા પર ફરી વળ્યાં હતાં. હું બેભાન થઈ ગયો હતો. પગમાં, છાતી અને એક હાથમાં ઇજા થઈ છે. પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે.

મૃતકના નામ

વિયાન દવેશભાઈ વાઘાણી 
દેવેશ વાઘાણી
સંકેત હિંમતભાઈ વાવડિયા 

આરોપી ઝડપાયો

જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ નામના વ્યક્તિએ સર્જતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જિજ્ઞેશ અમદાવાદના સંબંધી કેન્સરથી પીડિત હોવાથી ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તે સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એકાએક ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત થયો હતો. જિજ્ઞેશ દરજી કામ કરે છે.

આ સમાચાર શેર કરો