VIDEO: એક જ ક્લિકમાં જુઓ ગુજરાતનો વરસાદી માહોલ, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી અનેક ડેમ થયા ઓવરફ્લો
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી તે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે.
સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો
સોનગઢ તાલુકામાં આવેલો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થયો છે. ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ડોસવાડા ડેમની સપાટી કરતા હાલ 1 ફૂટ 6 ઇંચ જેટલું પાણી ઉપરથી જઇ રહ્યું છે.
ભરૂચમાં વહેલી સવારથી વરસાદી માહોલ
ભરૂચમાં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે. ભારે વરસાદને પગલે ભરૂચના ગાંધી બજાર ચાર રસ્તા વિસ્તારાં પાણી ભરાયા હતા. ભરૂચના તુલસી ધામ જીએનએફસી રોડ પરની વિવિધ સોસાયટીના માર્ગો પણ પાણીમાં ડુબી ગયા હતા.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં પણ અનરાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રાજપારડી- ઝઘડિયા રોડ પર સિમધરા નજીક રોડ પર પાણી વહેતા બે કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે તાલુકાની ખાડીઓ બે કાંઠે વહેતી થઇ હતી.
સુરતમાં ખાડી પૂર જેવી સ્થિતિ
સુરત શહેરમાં ખાડી પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદનું પાણી ખાડી મારફતે આવતા ખાડીઓ ઓવરફ્લો થઇ ગઇ છે. લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ખાડીઓના પાણીથી સમગ્ર વિસ્તાર પાણી પાણી થઇ ગયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા લિંબાયત ખાતેથી ઘરોમાં ફસાયેલા લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું.
સુરતના પલસાણામાં 10 ઇંચ વરસાદ
સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતના તમામ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. સુરતના બારડોલીમાં 8 ઇંચ જ્યારે પલસાણામાં 10 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું. પલસાણાના બલેશ્વર ગામ સૌથી વધુ પ્રભાવિત થયું હતું. બત્રીસ ગંગા ખાડી ગાંડીતૂર બનતા આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા.
નદી ભયજનક સ્તરે વહેતા રસ્તો બંધ કરાયો
સોનગઢનો ડોસવાડા ડેમ ભયજનક સ્થિતિ વટાવતા બારડોલી નજીકથી પસાર થતી મિઢોળા નદીમાં પણ નવા નીર આવ્યા હતા. નદીમાં ભારે આવકને પગલે બારડોલી રામજી મંદિરથી હાઇવેને જોડતો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પુલ પર બેરીકેટ મુકીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાના માંડવી તાલુકાનો આમલી ડેમ ભયજનક સ્થિતિએ પહોંચી ગયો હતો. ડેમની કૂલ સપાટી 115.80 મીટર છે જ્યારે ડેમ 113 મીટરની સપાટીએ પહોંચ્યો હતો. આમલી ડેમ ભયજનક સ્થિતિએ પહોંચતા તંત્ર દ્વારા નીચાણવાળા 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
સુરત ગ્રામ્યની વાત કરીએ તો કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ પર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. કીમ - માંડવી સ્ટેટ હાઇવે નદી માં ફેરવાયો હતો.
ઉમરપાડા તાલુકામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં 12 કલાકમાં જ 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા દીવતન ગામનો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. હાલ ધોધમાં નવા નીરની આવક થઇ છે. સુરત જિલ્લાનો આ એકમાત્ર ધોધ છે. આ ધોધનો નજારો જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.
સુરતના માંગરોળ તાલુકામાં પણ વરસાદને કારણે જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળના વાંકલ ગામમાંથી પસાર થતી ભુખી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભુખી નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતા SDRFની ટીમ દ્વારા લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું.
સુરતના લીંબાયત વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસી જતા ફાયરની ટીમ દ્વારા અનેક લોકોને રેસક્યૂ કરવામાં આવ્યા હતા. લીંબાયત વિસ્તારમાં ભારે વરસાદને પગલે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા.
સુરતના ડુભાલ ખાતે ભારે વરસાદમાં ફાયર વિભાગની ટીમ દ્વારા એક સારી કામગીરી કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા પર્વત ગામમાં આવેલ ગીતા નગર ખાતેથી પ્રેગનન્ટ મહિલાનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું.
નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. નવસારીમાં રેલ રાહત કોલોનીમાં 40 ઘરોમાં પાણી ભરાયા હતા જે બાદ 50થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. વિજલપોરમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. વિજલપોરમાં આવેલી અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા.
વડોદરા શહેરમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અઢી ઇંચ કરતા વધુ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા જેને કારણે નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો. શહેરના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.
વડોદરામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદમાં પણ શહેર પાણી પાણી થઇ ગયું હતું. શહેરના એમજી રોડ અને રાવપુરા મેન રોડ પર દુકાનોમાં પાણી ભરાયા હતા.
છોટા ઉદેપુર જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. છોટા ઉદેપુરના નવસારીમાં આવેલી એસબી સોલંકી વિદ્યામંદિર સ્કૂલ પણ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢના કેશોદ પંથકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં પસાર થતી સાંબલી નદીમાં પાણીની આવક વધી હતી. ઉપરવાસમાં વરસાદ થતાં વંથલી તાલુકાના ખોરાસા નજીક આવેલા સાંબલી ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. સતત વરસાદથી પૂરની પરિસ્થિતી વચ્ચે ઘેડ પંથક છઠ્ઠા દિવસે પાણીમાં ગરકાવ છે.
પોરબંદરમાં ભારે વરસાદને પગલે બરડા ડુંગરના પાણી રાણાવાવ શહેરમાં વહેતા થયા હતા. રાણાવાવમાં ગોપાલપુરા વિસ્તારમાં ધસમસતા પાણીનો પ્રવાહ લોકોના ઘરમાં ઘુસી ગયા હતા.
જૂનાગઢના કેશોદ પંથકમાં 4 ઇંચ જેટલા વરસાદમાં જ અનેક રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
અમરેલીમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યો હતો. અમરેલીના વડિયામાં સાંકરોળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ઢોલવા, ચુડા સહિતના ગામમાં વરસાદથી પુર આવ્યું હતું. સાંકરોડી ડેમની જળસપાટીમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. બગસરા પંથકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબતર થયા હતા. વહેલી સવારથી જ ધોધમાર વરસાદથી બગસરા શહેર પાણી પાણી થઇ ગયું હતું. બગસરા-અમરેલી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
અમરેલી જિલ્લામાં બગસરાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. બગસરાના ખારી, વાઘણીયામાં ધોધમાર વરસાદ પડતા ચેકડેમ છલકાયા હતા.
ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ઉના સોખડા ગામની રૂપેણ નદીમાં પુર આવતા ચેક ડેમમાં ગાબડુ પડ્યું હતું. ચેક ડેમમાં ગાબડુ પડતા વરસાદી પાણી નદીમાંથી વહી જતા ખેડૂતોની ચિંતા વધી હતી.
ગીર સોમનાથના ઉના તાલુકા તથા ગીર ગઢડા તાલુકાને પીયત પાણી પુરૂ પાડતો મછુન્દ્રી ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતા વહીવટી તંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારમાં ના જવા માટે સૂચના આપવામાં આવી હતી. મછુન્દ્રી ડેમ ઓવરફ્લો થતા ઉના તથા ગીર ગઢડાના 16 ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.
જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. ઓઝત નદીના આઠ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવતા માંગરોળ ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
રાજકોટ જિલ્લાના ગઢાળા ગામ પાસે આવેલ કોઝ વે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. મોજ ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા મોજ નદીનું પાણી કોઝ વે પર ફરી વળ્યું હતું. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
ભારે વરસાદને કારણે ગિરનાર નજીક આવેલો હસ્નાપુર ડેમ છલકાયો હતો. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. બાંટવા ખારો, ઓઝત-2, સાબલી સહિતના 16 ડેમ ઓવરફ્લો થયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે, હસ્નાપુર ડેમમાંથી જૂનાગઢ શહેરને પાણી પુરૂ પાડવામાં આવે છે.
રાજકોટના ધોરાજીમાં પડેલા અવિરત વરસાદથી સપૂરા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે પણ માલધારીઓ અને રાહદારીઓ જીવનું જોખમ ખેડતા પણ જોવા મળ્યા હતા.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદ વરસ્યો હતો. લાખણી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.








