મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બિલિમોરામાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઈલમાં લૂંટ, ઘરમાં ઘુસીને મંગળસૂત્ર તફડાવી આરોપી ફરાર

નવસારીના બિલિમોરાની સહયોગ સોસાયટીમાં ધોળે દહાડે બે બુકાનીધારીઓએ ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી. મહિલાની છાતીએ ચાકૂ મુકીને મંગળસ

નવસારીના બિલિમોરાની સહયોગ સોસાયટીમાં ધોળે દહાડે બે બુકાનીધારીઓએ ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી. મહિલાની છાતીએ ચાકૂ મુકીને મંગળસૂત્ર ઝાટકા સાથે તોડીને ભાગી છૂટ્યા હતા. ઘરમાંથી ભાગતા લૂંટારૂઓ સામેના ઘરના CCTV કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મુદ્દે બીલીમોરા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

પોલીસ મથક નજીક લૂંટ

નવસારીના બિલિમોરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં બિલિમોરા પોલીસ મથકથી અંદાજે 500 મીટરના અંતર ઉપર આવેલી સહયોગ સોસાયટીના ઘર નં. B/10 માં રહેતા મહેશ મોહનલાલ ગાંધીના ઘરે આજે સવારે 11:30 વાગ્યાના સુમારે બે બુકાનીધારીઓ ધારદાર ચાકૂ લઈને ઘૂસી ગયા હતા. ફિલ્મી સ્ટાઇલમાં કાળા કપડાં અને માથે કાળા માસ્ક પહેરેલા બુકાનીધારીઓએ ઘરમાં ચોપડી વાંચી રહેલા મહેશભાઈના પત્ની મીતાબેનની છાતી ઉપર ચાકૂ મુકી દીધા હતા. ચાકૂ મૂકતા જ મીતાબેને ગભરાયા વિના બૂમાબૂમ કરી હતી. મીતાબેનની બૂમો સાંભળીને પાછળ કામ કરી રહેલી તેમની કામવાળી પણ દોડીને આગળના રૂમમાં આવતા એક લૂંટારૂ તેની પાછળ ભાગ્યો હતો.

ચોકડીની દીવાલ કુદીને ભાગ્યા

કામવાળી પાછળ આવતા ચોકડીની દીવાલ કૂદીને ભાગી ગઈ હતી. બીજી તરફ છાતી ઉપર ચાકૂ મૂકીને લૂંટારૂઓએ મીતાબેનના ગળામાંથી અંદાજે 2 તોલાનું મંગળસૂત્ર તોડી લીધું હતું અને ઘટના સ્થળેથી ભાગી ગયા હતાં. લૂંટારૂઓ ઘરમાંથી ભાગ્યા તે ઘટના સામેના ઘરના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જોકે લૂંટારૂઓ ભાગતા મીતાબેન પણ હિંમત કરીને લૂંટારૂઓ પાછળ ભાગ્યા હતા પરંતુ લૂંટારૂઓ તેજ ગતિએ બાજુની સોસાયટીનો ટેકરો ચઢીને પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બીલીમોરા પોલીસ હરકતમાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચી, CCTV મેળવીને લૂંટારૂઓનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો