પોલીસ કોન્સ્ટેબલની હત્યા-લૂંટ સહિતના 26 ગુનાનો આરોપી ઝડપાયો, 15 વર્ષથી હતો ફરાર
સુરત પોલીસ દ્વારા વણઉકેલાયેલા ગુનેગારોને ઝડપી લેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલની

સુરત પોલીસ દ્વારા વણઉકેલાયેલા ગુનેગારોને ઝડપી લેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 જેટલા ધાડ-લૂંટ-મર્ડર જેવા અતિ ગંભીર ગુનાનો આરોપી ઝડપાયો છે. આ આરોપીના માથે 30 હજારનું ઈનામ હતું. 15 વર્ષ અગાઉ પોલીસ જાપ્તામાંથી ફરાર પારધી ગેંગના મુખ્ય સુત્રધાર પરભુ દેવકા ભોસલેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પાલેજથી નાસી ગયેલો
વર્ષ 2005માં નેશનલ હાઈવ તેમજ સુરત ગ્રામ્ય, ભરુચ, તાપી, નવસારી, બુલઢાણા તેમજ છેવાડાના વિસ્તારોમાં ખેતરોમાં તેમજ એકાંત રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓને માર મારી લૂંટ કરી નાસી જતી મહારાષ્ટ્ના બુલઢાણા જિલ્લાની પારઘી ગેંગ પકડાઈ હતી. આ આરોપી ખૂંખાર હોવાની સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી નાસી ગયા હતાં. 2008માં વડોદરા જેલથી સુરત જાપ્તામાં લઈ જવાતી વખતે પાલેજ પાસે એક હોટલમાં ચા પાણી માટે ઉભા રહેતા પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો.
વતનમાંથી ઝડપાયો
પરભુ રઘુનાથ ઉર્ફે દેવકા ભોસલે પર ગુજરાત સરકારે 30 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. પરભુ રઘુનાથ પોલીસ જાપ્તામાંથી બે વખત ફરાર થઈ ગયો હોવાથી આજીવન કેદની સજા પામ્યો હતો. સાથે જ 15 વર્ષથી નાસતો ફરતો હોવાથી પોલીસ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી હતી. આરોપી છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો રહેતો મોબાઈલ વાપરતો નહોતો. સાથે જ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતો હતો. ત્યારે વતનમાં આવતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.








