75 લાખના 'તોડ' વિવાદમાં મનસુખ વસાવા એકલા પડ્યા? ભાજપ છોડવાની આપી ચીમકી!
દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાનું રાજકારણ અત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જેવ

દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાનું રાજકારણ અત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જેવું બની ગયું છે. સાંસદ મનસુખ વસાવાએ આપ ધારાસભ્ય ચૈતર વસાવા પર કરેલા '75 લાખના તોડ'ના આક્ષેપોમાં હવે ખુદ સાંસદ જ ભીંસમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. કલેક્ટરના નિવેદન બાદ હવે મનસુખ વસાવાએ પોતાની જ સરકાર અને પક્ષ સામે બગાવતી તેવર અપનાવ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
થોડા સમય પહેલા સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટર પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી છે. મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે કલેક્ટરે પોતે જિલ્લા પ્રમુખની હાજરીમાં તેમને આ વાત કરી હતી. જોકે, આ આક્ષેપો બાદ જ્યારે ચૈતર વસાવા રૂબરૂ કલેક્ટર પાસે પહોંચ્યા, ત્યારે કલેક્ટરે કેમેરા સામે સ્પષ્ટ ઇનકાર કર્યો કે ચૈતર વસાવાએ કોઈ પૈસા માંગ્યા નથી.
ચૈતર વસાવાએ કલેક્ટરને ઘેર્યા, મનસુખ વસાવા ભેરવાયા
ચૈતર વસાવાએ આક્રમક વલણ અપનાવી કલેક્ટર પાસે લેખિતમાં જવાબ માંગ્યો અને પૂછ્યું કે, "શું મેં તમારી પાસે 75 લાખ માંગ્યા છે?" કલેક્ટર દ્વારા આ વાતને નકારતા જ મનસુખ વસાવા પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે એકલા પડી ગયા છે. મનસુખ વસાવાએ હવે કલેક્ટર પર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, "પહેલા કલેક્ટરે મને આ વાત કરી હતી, પણ હવે તે ચૈતર વસાવા સાથે મળી ગયા છે અને તેમને બચાવી રહ્યા છે."
"ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ"
પોતાના જ આક્ષેપોમાં ઘેરાયેલા સાંસદ મનસુખ વસાવા હવે અત્યંત ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. તેમણે મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, "હું સરકાર અને અધિકારીઓ માટે ખોટા લોકો સામે લડી રહ્યો છું, પણ જો સરકાર મને ન્યાય નહીં આપે અને આવા ભ્રષ્ટ લોકોને બચાવશે, તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ."
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મનસુખ વસાવા છેલ્લા કેટલાક સમયથી પોતાના જ પક્ષના ધારાસભ્યો અને વિરોધ પક્ષના નેતાઓ પર પ્રહાર કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ પહેલા તેમણે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર પ્રહાર કર્યા હતા, જેમાં તેમને સફળતા મળી નહોતી.
હવે ચૈતર વસાવાને ઘેરવાના પ્રયાસમાં તેઓ પોતે જ વિવાદોમાં સપડાયા છે.
અધિકારીઓ અને સરકાર પર નિશાન
મનસુખ વસાવાએ રોષે ભરાઈને કહ્યું કે, કલેક્ટર કે સરકાર કેમ સત્ય છુપાવે છે તે મારે જાણવું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ભ્રષ્ટાચાર અને ખોટા લોકો સામે ઝૂકશે નહીં, ભલે તેના માટે તેમને પક્ષ કેમ ન છોડવો પડે.







