Narmada news: કલેકટરે પણ સાંસદે લગાવેલા આક્ષેપોને ફગાવ્યા, 75 લાખના તોડ મુદ્દે ચૈતર વસાવાનું નિવેદન
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લાના વડા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મુદ્દે વિસ્તારપૂર્વક વાત કરતા જણાવ્યું હતું કે, ભરૂચના સાંસદ દ્વારા મેં ૭૫ લાખનો તોડ કર્યો હતો એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સાંસદ પાયાવિહોણા આક્ષેપ ન કરે : AAP ધારાસભ્ય
આ મુદ્દે જિલ્લાના વડા કલેકટરને અમે મળવા માટે આવ્યા હતા અને આજે કલેકટરે સૌની હાજરીમાં ખુલાસો કર્યો કે મારા પર જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે એ આક્ષેપ ખોટો છે. હું મનસુખ વસાવાને વિનંતી કરવા માંગીશ કે મુદ્દો વડાપ્રધાનના ડેડીયાપાડાના કાર્યક્રમના ખર્ચનો છે, ત્યાં સુધીની જ તમે વાત રાખો પરંતુ તમે કોઈપણ પ્રકારના પાયા વિહોણા આક્ષેપો મારા પર કરો છો અને મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનું કામ કરો એ કોઈપણ રીતે વ્યાજબી નથી. અમે જણાવવા માંગીએ છીએ કે મનસુખભાઈ ફરીથી અમારા પર આ રીતના પાયાવિહોણા આક્ષેપ ન કરે, નહિતર અમે કાયદાકીય કાર્યવાહી કરીશું.
મનસુખભાઈને પેટમાં કેમ દુ:ખે છે?
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનો કાર્યક્રમ 15મી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનની મિટિંગમાં અમને માહિતી આપવામાં આવી. હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો એની વાત જનતા સમક્ષ મૂકી છે, એમાં મનસુખભાઈને પેટમાં કેમ દુખે છે? મનરેગા કૌભાંડને અને નલ સે જલ કૌભાંડને મેં ઉજાગર કર્યું ત્યારે પણ એમના પેટમાં દુખ્યું હતું અને હવે આ કાર્યક્રમની માહિતી માંગી છે ત્યારે પણ તેમને પેટમાં દુખે છે, પરંતુ કલેક્ટરે તમામની હાજરીમાં ખુલાસો કરી દીધો કે બિલકુલ પાયાવિહોણી વાતો મનસુખભાઈએ કરી છે.






