મા અંબાનો ભંડાર છલકાયો: પોષી પૂનમે ભક્તોએ 1.48 કરોડનું દાન અને સોનાના આભૂષણો કર્યા અર્પણ
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં પોષી પૂનમના પર્વ દરમિયાન ભક્તોની અ

જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં પોષી પૂનમના પર્વ દરમિયાન ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળી હતી. આ પવિત્ર અવસરે ભક્તોએ માતાજીના ભંડારામાં મન ખોલીને દાનની સરવાણી વહાવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી ભંડાર ગણતરીમાં કુલ 1.48 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે.
ભંડારામાં રોકડ અને સોનાનો વરસાદ
મંદિર પ્રશાસનના જણાવ્યા મુજબ, ભંડારાની ગણતરી દરમિયાન 71.57 લાખ રૂપિયાની રોકડ રકમ દાન પેટે પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત, મા અંબાના શણગાર માટે ભક્તો દ્વારા સોનાની બે મોટી અને કિંમતી ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી, જેની કુલ કિંમત 76.64 લાખ રૂપિયા થાય છે.
સોનાનો મુકુટ અને હાર આકર્ષણનું કેન્દ્ર બન્યા
મા અંબાના ભક્તોએ સોનાના આભૂષણો અર્પણ કરીને પોતાની આસ્થા વ્યક્ત કરી છે. અમદાવાદના પ્રસિદ્ધ 'જય ભોલે ગ્રુપ' દ્વારા માતાજીને 620 ગ્રામ સોનાનો ભવ્ય મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત અંદાજે 43.51 લાખ રૂપિયા છે.
રાજકોટના એક શ્રદ્ધાળુએ મા અંબાને 263 ગ્રામનો સોનાનો હાર ભેટ ધર્યો હતો, જેની કિંમત 33.13 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ
પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ. આ દિવસે લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી દર્શનાર્થે આવતા હોય છે. આ વર્ષે પણ ભક્તોએ ભંડારામાં દાન આપીને મા અંબા પ્રત્યેની પોતાની ભક્તિ પ્રદર્શિત કરી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ તમામ દાનનો ઉપયોગ મંદિરના વિકાસ અને યાત્રિકોની સુવિધા માટે કરવામાં આવશે.








