VIDEO: અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: જુનાગઢના વંથલીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ
અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યના 100થી વધુ તાલુકામાં 1થી 10

અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યના 100થી વધુ તાલુકામાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે. માણાવદરના 19 ગામો, ઉપલેટાના 2 ગામો વિખુટા પડયા,અનેક સ્થળે કમર સુધીના પાણી ભરાયા હતા. જુનાગઢના મેંદરડામાં 8 ઈંચથી વધુ વંથલીમાં 14 ઈંચ,વિસાવદરમાં 10 ઈંચ, ખંભાળિયા,કલ્યાણપુર 7થી 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
સોરઠ પંથક પાણી પાણી થઈ ગયું
સૌરાષ્ટ્રમાં હજુ અષાઢ તો બાકી છે ત્યારે જેઠ માસના કૃષ્ણપક્ષમાં સોમવારના આરંભ સાથે મેઘરાજા મન મુકીને વરસી પડયા હતા અને સમગ્ર સૌરાષ્ટ્રને જળબંબોળ કરી દીધું હતું. સૌથી વધુ જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં અનેક સ્થળે 10 ઈંચ સહિત વ્યાપક ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં માણાવદરમાં ગત રાત્રિથી આજ સાંજ સુધીમાં 9 ઈંચથી વધુ વરસાદ વરસતા સોરઠ પંથક પાણી પાણી થઈ ગયું હતું.
મેઘરાજાએ સૌરાષ્ટ્રને જળબંબાકાર કર્યું
આ ઉપરાંત દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત ભારે વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ પંથકમા૨થી 8 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી, ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર પર સોમવારે જળધોધ વરસાવીને મેઘરાજાએ જળબંબાકાર કર્યું હતું.
જુનાગઢ માળીયાહાટીનામાં સાંજે 6 થી 9 વાગ્યા સુધી માં કુલ 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માંગરોળ પંથકમાં જળબંબાકાર થયો હતો. ઓઝત નદીના પાળો તુટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમા ફેરવાયા ઘેડ પંથકના ગામોમાં વીજળી ગુલ થઈ હતી.
માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમા પુરની સ્થિતિ સર્જાઈ હતી.વરસાદને લઈને સ્ટેશન પ્લોટ વિસ્તાર, પુનાપરા, માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, લલ્લુ કોલોની, તેમજ રેલ્વે સ્ટેશન થી ગામ તરફ જતા રસ્તા માં પાણી ના દ્રશ્યો સામે આવ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.








