મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રાજ્યના ડેમોની સપાટીમાં વધારો, આ ડેમ થયા ઓવરફ્લો

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. જેમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુ

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. જેમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી દીધું છે. પરિણામે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. તો કેટલાક ડેમો ઓવરફ્લો થયા છે. જેના પગલે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે.

ચોપડવાવ ડેમ ઓવર ફલો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં  નાનાકાકડીઆંબા અને ચોપડવાવ ડેમ ઓવર ફલો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ચોપડવાવ ગામ પાસે આવેલો ચોપડવાવ ડેમ તથા નાના કાકડીઆંબા ડેમ  ઓવરફ્લો થયો હતો. તંત્ર દ્વારા ગામ લોકોને નદી  કિનારે અવર જવર નહીં કરવા સૂચના અપાઇ છે. સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, સીમઆમલી, ભવરીસવ૨, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા,નરવાડી અને ગોડાદેવી સહિત કુલ ૧૯ ગામોના ૧૦૨૦ હેક્ટર વિસ્તારને  સિંચાઇના પાણીનો લાભ મળશે.

અશ્વિન નદીના જળસ્તરમાં  વધારો થયો 

છોટાઉદેપુર અને તેની આસપાસના ક્ષેત્રોમાં  વરસાદ પડતા નસવાડીમાં આવેલી અશ્વિન નદીના જળસ્તરમાં આંશિક વધારો થયો હતો. નદીના જળસ્તરમાં વધારો થતાં કાંઠા પાસે આવેલા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. કવાંટ તાલુકામાંથી નીકળતી અશ્વિન નદી આગળ જઈને નર્મદામાં ભળે છે.  અશ્વિન નદીના જળસ્તરમાં વધારો થતાં લો લેવલના કોઝ-વે અને હાઈવે પર પાણી ફરી વળતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા.

તાપી નદીના જળસ્તરમાં વધારો થયો

ઉકાઈ ડેમમાંથી ફરી પાણી છોડાતા તાપી નદીના જળસ્તરમાં વધારો થયો હતો. ઉપરવાસમાં આવેલા રેઇન ગેજ સ્ટેશન પર વરસાદ પડતા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. આ કારણે ડેમના દરવાજા ખોલી 75 હજાર 508 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમમાં 91 હજાર 936 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જેના કારણે જળાશયની સપાટી 335 ફૂટ પર પહોંચી હતી.

કાકરાપાર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો

સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે. ઉકાઈ ડેમના 8  દરવાજા 4 ફૂટ ખોલી 75,508 ક્યુસેક પાણી ઉકાઈ ડેમ માંથી છોડાઇ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડતા માંડવી તાલુકામાં આવેલ  કાકરાપાર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફલૉ થયો છે. સુરત-તાપી જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ છે. ડેમની કુલ સપાટી 160 ફૂટ, જ્યારે હાલ ડેમ 5 ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઇ રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતાં આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. 

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેજ સ્ટેશનો પર વરસાદ નોંધાતા દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી 75 હજાર 508 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમની સપાટી સવારે રુલ લેવલ જેટલી જ એટલે કે 335 ફૂટ નોંધાઇ હતી. જ્યારે ડેમમાં 60 હજાર 525 ક્યુસેક પાણીની આવક સામે હાઇડ્રો મારફત માત્ર 17 હજાર 265 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું.

દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો

બનાસકાંઠામાં આવેલા દાંતીવાડા ડેમમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. ચોમાસામાં પ્રથમ વાર ડેમમાં ઉપરવાસ વરસાદથી નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. છેલ્લા ૪૮ કલાકમાં દાંતીવાડા ડેમમાં ૧ ફુટ જેટલી સપાટી વધી હતી. ડેમ સત્તા મંડળે પ્રથમ વાર ડેમમાં ૧૦,૦૦0 ક્યુસેક આવક અને એક ફૂટ પાણી સપાટીનો વધારો જાહેર કર્યો હતો.

25મી ઑગસ્ટે આ જિલ્લાઓમાં એલર્ટ

25મી ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો