Video: કડીના આ ગામમાં કંપનીની મનમાની, ખેતર જવાના રસ્તે ચણી નાખી દીવાલ
મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામમાં જમીન વિવાદને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામમાં જમીન વિવાદને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આરોપ છે કે અમદાવાદની એક કન્સ્ટ્રક્શન કંપનીએ પોતાની સ્કીમમાં ખેડૂતોનો વર્ષો જૂનો કાચો નેળિયો રસ્તો દબાવી દીવાલ ચણી દીધી છે. રસ્તો બંધ થતા ખેડૂતોને લાંબુ અંતર કાપીને ખેતર જવાની ફરજ પડી રહી છે. ગાંધીનગર સુધી રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ ન આવતા ખેડૂતોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ન્યાયની માંગ કરી છે.
કંપનીએ રસ્તો સ્કીમમાં લઇ લેતા વિવાદ
કડી તાલુકાના અનેક ગામોનો ઔડામાં સમાવેશ થયા બાદ અહીંના ગામોમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે હવે અગોલ ગામની સીમમાં જમીનના રસ્તા મામલે વિવાદ સર્જાયો છે. અગોલ ગામના ખેડૂતોને ખેતરમાં જવાનો કાચો નેળિયો રસ્તો અમદાવાદની કન્સ્ટ્રક્શન કંપનીએ પોતાની સ્કીમમાં લઇ લેતા ખેતરમાં જવાનો સીધો રસ્તો બંધ થઈ કરી દીધો છે અને દીવાલ બનાવી દીધી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.
ફરિયાદ બાદ પણ પરિણામ શૂન્ય
આ જૂનો કાચો રસ્તો બંધ થઈ જવાથી ખેડૂતોને ખેતરમાં અવરજવર માટે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે અને પોતાના ખેતરમાં લાંબુ અંતર કાપીને જવું પડી રહ્યું છે. આથી અગોલ ગામના ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી છે. જૂનો રસ્તો ખોલાવવા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રથી લઈ ગાંધીનગર સુધી સરકારી તંત્રને ખેડૂતોએ રજૂઆતો અને ફરિયાદ કરી હોવા છતાં કંપની કન્સ્ટ્રક્શન દીવાલ બનાવવાનું કામ હજુ પણ કરી રહી હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.












