VIDEO:'ભીખારી નથી ભાજપના MLAનો દીકરો છું' સુરતમાં બસમાં યુવકે કન્ડક્ટરનો કોલર પકડી નોટના બંડલ બતાવ્યા
બસમાં સામાન્ય રીતે મુસાફરોની અંદરો અંદર કે પછી કન્ડક્ટર ડ્રાઈવર સાથે માથાકૂટ સર્જાતી હોય છે.

બસમાં સામાન્ય રીતે મુસાફરોની અંદરો અંદર કે પછી કન્ડક્ટર ડ્રાઈવર સાથે માથાકૂટ સર્જાતી હોય છે. ત્યારે સુરતની સિટી બસમાં એક યુવકે કન્ડક્ટરનો કોલર પકડી લઈને પોતે ભાજપના એમએલએનો દીકરો હોવાનું કહી રોફ દર્શાવતા થેલામાંથી નોટના બંડલ બતાવ્યા હતાં. જેથી કન્ડક્ટરે પોલીસમાં અરજી આપી હતી.
500ની નોટના બંડલ દર્શાવ્યા
રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી બીઆરટીએસ બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે બેઠેલા યુવકે અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઉભો રહીને બોલાવતો હતો. તે દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો હતો. બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો હતો. કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે. એ પ્રકારની વાત કરી તેણે પોતાની ઓળખ ધારાસભ્યના પુત્ર હોવાની આપી હતી. જે બેગ લઈને તે બસમાં ચડ્યો હતો. તે બેગમાં લાખો રૂપિયા હોવાનું દર્શાવતા 500ની નોટના બંડલો બતાવ્યા હતા.આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
રોફ દર્શાવ્યો
રૂટ નંબર 148 સિટી બસમાં કન્ડક્ટરની યુવક સાથે માથાકૂટ થઈ હતી. યુવાને કોલર પકડી લેતા 100 નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધવામાં આવી હતી. યુવક સુમુલ ડેરી પાસે જ ઉતરીને જતો રહ્યો હતો. સિટી બસની એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કંડક્ટર દ્વારા કોઈપણ પ્રકારનું ખરાબ વર્તન કરવામાં આવ્યું ન હતું અને તેને કોઈપણ પ્રકારના નિયમનો ભંગ કર્યો હોય તેવું જણાય આવ્યું નથી. યુવક કોણ છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.








