VIDEO: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, 24 કલાકમાં 31 તાલુકામાં મેઘ મહેર
ગુજરાત સરકારના હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરવામ
ગુજરાત સરકારના હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી, આગાહી અનુસાર સુરત જિલ્લો, પાટણ જિલ્લો, નવસારી જિલ્લા સહિતા રાજ્યના સંખ્યાબંધ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કેટલાક સ્થળો પર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
છેલ્લાં 24 કલાકમાં 31 તાલુકામાં ખાબક્યો વરસાદ
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદમાં માત્ર બે કલાકમાં જ ખાબક્યો છે. જોકે, જૂનાગઢ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય મંગળવારે સાંજે અમરેલીના વડિયા સહિત સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. વડીયાના ઠુંઢિયા પીપળીયા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
બારડોલી પંથકમાં વરસાદ
જે અનુસાર સુરત જિલ્લાના બારડોલી પંથકમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે બફારાથી આંશિક રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપની સમસ્યા પણ સર્જાઈ હતી.
પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં મોડી રાતે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. શંખેશ્વર, પચાસર, લોલાડા, મુજપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની સાથે મીની વાવાઝોડું જોવા મળ્યું હતું. આ વરસાદથી અતિશય ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી હતી, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, વઢિયાર પંથકમાં હાલ વાવેતર ન હોવાથી નુકસાનની ભીતિ નહીવત છે.
નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ
નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. જોકે, આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે કેરી, ડાંગર, અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
ઝઘડિયા પંથકમાં ભારે વરસાદ
ભરૂચના ઝઘડિયા પંથકમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસા વરસ્યો હતો...વરસાદને લઈ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી..જોકે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ છે.માવઠાથી શાકભાજી તથા ફળફળાદીના પાકને વ્યાપક નુકસાન થવાનો ભય છે.
તાપી જિલ્લામાં મધરાતથી ભારે વરસાદ
તાપી જિલ્લાના સોનગઢ, વ્યારા સહિતના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યાં કમોસમી વરસાદે ગરમીમાંથી આંશિક રાહત આપી હતી. પરંતુ ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ...સોનગઢ શહેરના બજાર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો, જોકે હાલ વરસાદ બંધ થયો છે અને વાદળછાયું વાતાવરણ છે.








