Video: Ajmerમાં 50 વર્ષ બાદ પૂર જેવી સ્થિતિ, પાણીમાં તણાતાં યુવકનો વીડિયો આવ્યો સામે
અજમેરમાં વરસાદે 50 વર્ષ પહેલાં આવેલા પૂરના જૂના દૃશ્યોની યાદ અપાવી દ
અજમેરમાં વરસાદે 50 વર્ષ પહેલાં આવેલા પૂરના જૂના દૃશ્યોની યાદ અપાવી દીધી છે. ખ્વાજા ગરીબ નવાઝની દરગાહની આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. આ દરમિયાન દરગાહના નિઝામ ગેટથી અંદર પ્રવેશતો એક યુવક અચાનક ઝડપી વહેણવાળા પાણીમાં અસંતુલિત થઈને નીચે પડ્યો અને પાણીમાં તણાયો. નીચાણવાળા અને ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાતાં લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. દરગાહ વિસ્તાર, નાલા બજાર, વૈશાલી નગર, કોટડા, શ્રીનગર રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ યથાવત છે. અનેક જગ્યાએ દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયાં છે. સ્થાનિક લોકોએ 1975ના પૂરની યાદ તાજી કરતાં જણાવ્યું કે હાલાત ફરી એવાં જ બનતાં દેખાઈ રહ્યાં છે.
ધસમસતા પ્રવાહમાં તણતાં માણસને બચાવવામાં આવ્યો
રાજસ્થાનમાં થઈ રહેલો ભારે વરસાદ હવે આફત બનતો જણાઈ રહ્યો છે. શુક્રવારે રાત્રે અજમેરમાં થયેલા ભારે વરસાદ બાદ ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ વિસ્તાર ફરી એકવાર પાણીમાં ડૂબી ગયો. દરગાહના નિઝામ ગેટથી અંદર પ્રવેશતો એક માણસ અચાનક ઝડપી પ્રવાહવાળા પાણીમાં અસંતુલિત થઈને પડી ગયો. તેના હાથમાં પાણીની બોટલ અને ખાવાની થેલી હતી. તેને પડતો જોઈને ચાર લોકોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઝડપી પ્રવાહના કારણે તેઓ સફળ થઈ શક્યા નહીં.
આ દરમિયાન નજીકમાં હાજર હોટેલ હાશમીના કર્મચારીએ બહાદુરી બતાવીને વહેતા માણસને પકડી લીધો અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. ઘટના દરમિયાન થોડીક પળો માટે ત્યાં અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે સમયસર મદદ મળતા મોટી દુર્ઘટના થતી અટકી હતી. વરસાદ બાદ દરગાહ વિસ્તારમાં પાણી ભરાવા અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ફરીથી સવાલો ઉઠવા લાગ્યા છે.
વિવિધ સ્થળોએ પાણી ભરાયા
દરગાહ વિસ્તારના નાલા બજાર અને દરગાહ બજારમાં વરસાદી પાણી નાળામાંથી છલકાઈને રસ્તાઓ પર વહેવા લાગ્યું હતું. ગાડીઓ અને બાઇકો પણ આ પ્રવાહમાં વહેતા જોવા મળ્યા હતાં. કેટલાક લોકોને સ્થાનિક લોકોએ પાણીમાં પડીને બચાવ્યા હતાં. ઉપરાંત, કેટલીક જગ્યાએ દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાની માહિતી પણ સામે આવી છે.
અજમેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને ધસમસતા પ્રવાહથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઘણી જગ્યાએ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અજમેર શહેરમાં સતત વરસાદને કારણે, પત્રકાર કોલોનીમાં મંગલમ એપાર્ટમેન્ટની દિવાલ ધરાશાયી થઈ. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાટમાળ નીચે દબાઈને નજીકમાં પાર્ક કરેલા ઘણા ફોર વ્હીલરને નુકસાન થયું છે.








