VIDEO: બેટ દ્વારકામાં ચાલ્યું સરકારનું બુલડોઝર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન
બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું
બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું. જેના પગલે સુદર્શન બ્રિજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શને આવતા યાત્રિકોના વાહનોની અવર જવર બંધ કરવામાં આવી હતી. બેટ દ્વારકામાં મંદિરમાં નિયમિત રીતે પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલુ રહેશે અને બહારથી આવતા યાત્રિકોને હાલ બેટ દ્વારકામાં દર્શને આવવાની મનાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: ગોધરા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદના ઘેરામાં, વહીવટી ચેમ્બર બન્યું વાહન પાર્કિંગ
1 હજારથી વધુ પોલીસ તૈનાત
શનિવારે (11 જાન્યુઆરી) વહેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બેટ દ્વારકા નજીક બાલાપર ખાતે આશરે 250 જેટલાં આસામીઓને નોટિસ આપ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પણ પોલીસ તંત્ર હાઇ એલર્ટ પર કામ કરી રહ્યું છે. જિલ્લાના પોલીસવડા નિતેશ પાંડેની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. આ સિવાય ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ જિલ્લાભરમાંથી પી.આઈ., પી.એસ.આઈ ઉપરાતં એસ.આર.પી અને મહિલા પોલીસ સહિત 1 હજાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
આ સિવાય આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જે માટે ડ્રોન કેમેરા તેમજ સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે. જ્યાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેની આસપાસ પોલીસે સંપૂર્ણ કોર્ડન કરી દીધું છે.
કાયદાકીય કાર્યવાહી બાદ લેવાયું એક્શન
નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: પ્રાંતિજ નજીક ટ્રક ટેન્કરનો ગમખ્વાર અકસ્માત, ટેન્કર ચાલકનું મોત
એક વર્ષ પહેલાં પણ દૂર કરાયા હતાં દબાણ
ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતાં. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ જૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.








