Dahod News: સરહદી વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 72 જવનાની ટુકડી તૈનાત
ગુજરાતભરમાં નવા વર્ષને ઉજવવાની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે 31 ડિસેમ્બરની પાર્ટીની લઈને

ગુજરાતભરમાં નવા વર્ષને ઉજવવાની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે 31 ડિસેમ્બરની પાર્ટીની લઈને દાહોદના મધ્યપ્રદેશ રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા ગામડાઓ સહિત અંતરીયાળ ગામડાઓમાં પણ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. અહીં પોલીસ વિભાગ દ્વારા સધન ચેકિંગ હાથ ધરાયું છે. ત્યારે મધ્ય પ્રદેશને ગુજરાતથી જોડતી ખાંગેલા ચેક પોસ્ટ પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
દાહોદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે. જેથી અવાર-નવાર દાહોદમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી અનેકવાર દારૂ તેમજ માદક પદાર્થો દાહોદ તેમજ ગુજરાતમાં પ્રવેશ કરાવવાનો બુટલેગરો પ્રયાસ કરતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશ-ગુજરાતને જોડતી ખંગેલા ચેક પોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનો માહોલ
પીઆઈ પીએસઆઈના માર્ગદર્શન હેઠળ એસ આર પી. સાથે પોલીસ ટીમ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના માહોલમાં મધ્ય પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી રોકવા પર છે. આ માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
બોર્ડર વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ
ખંગેલા ચેકપોસ્ટ પર પોલીસ વિભાગ દ્વારા આવતા-જતા તમામ વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. નાના વાહનો તેમજ મોટા ટ્રક સહિત તમામ વાહનોની સઘન ચેકિંગ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વાહન ચાલકો સાથે તમામ પ્રકારની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસ સતર્ક છે. બોર્ડર વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
72 જવનાની ટુકડી તૈનાત
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરવા દાહોદ પોલીસ સંપૂર્ણપણે સજ્જ જોવા મળી છે. દાહોદને મધ્યપ્રદેશથી જોડતી ખંગેલા ચેક પોસ્ટ અને રાજસ્થાનને જોડતી ધાવડીયા ચેક પોસ્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જો કે, પોલીસ વિભાગ દ્વારા કુલ બોર્ડર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 17 જેટલી ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. સાથે પીઆઈ પીએસઆઇ પોલીસ જવાન અને એસઆરપી સહિત 72 જવનાની એક ટુકડીને પણ જિલ્લાની અલગ-અલગ ચેકપોસ્ટ પર તૈનાત કરવામાં આવી રહી છે. તમામ જગ્યા પર ચેકિંગ ચાલી રહ્યું છે.
બે દિવસ અગાઉ પીઆઇ પર થયો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ કતવારા પીઆઇ પર ચેક પોસ્ટ ખાતે ચેકિંગ દરમિયાન હુમલો થવાની ઘટના બની હતી. જેમાં પીઆઇ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસ વધુ સતર્ક થઈ હતી અને પોલીસનો વધુ સ્ટાફ વધારવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં છેલ્લા મહિનામાં પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો.








