મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, પ્રતાપ દૂધાતે ખેડૂતોના દેવા માફ કરવા કરી અપીલ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેન

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે  ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  સતત વરસી રહેલ કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને નષ્ટ કરી નાખ્યા છે. બોટાદ, જુનાગઢ, અમરેલી, રાજકોટ, તાપી જિલ્લાના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. 

અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે કપાસ મગફળી સહીત ના પાક ને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે આ મામલે પ્રતાપ દૂધાત પણ સામે આવ્યા છે. તેમણે ખેડૂતોને પોતાના ખેતરમાં એપ્લિકેશનમાં ક્રોપ વિંગ કરીને લોકેશન સાથે ફોટા પાડવાના ગતકડાં સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે  અમરેલી જીલ્લા સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત ભરના સરપંચોને અપીલ કરતાં કહ્યું છે કે, તમારા ગામની ગ્રામ પંચાયતે બેસી ઠરાવ કરી સર્વે કરવા આવનારને એકપણ જગ્યાએ ન જવા દેવા.પ્રતાપ દૂધાતે કહ્યું, ખેડૂતોને પણ જાગવું પડશે ક્યાં સુધી રાહ જોશો, જ્યાં સુધી રોડ પર નહીં આવો તમારો અવાજ નહીં ઉપાડો, ત્યાં સુધી બહેરી મૂંગી સરકાર જાગવાની નથી. પ્રતાપ દૂધાતે વધુમાં કહ્યું કે, ખેડૂતોના દેવા માફ કરો હું સરકારને વિનંતી કરું છું હું તમને આવકારવા અને સત્કારવા આવીશ. 

બોટાદમાં માવઠાએ ખેડૂતોને રાતાપાણીએ રોવડાવ્યા છે. અહીં ખેડૂતોના રોકડિયા પાકની માઠી દશા થઈ છે. બોટાદના સાળંગપુર રોડ પર આવેલી ખેતીની જમીનમાં સતત પડી રહેલો વરસાદથી જમીન રસતાણ થઈ ગઈ છે. તૈયાર થયેલ કપાસનો પાક ખેતરમાં લઈ જવાની તૈયારી થઈ રહી હતી પરંતુ માવઠાને કારણે કપાસનો પાક ખરાબ થઈ ગયો. 

જુનાગઢના માંગરોળમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ આ મામલે સરવે ન કરવા માંગ કરી છે અને 100 ટકા ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરી છે. તેમજ ખેડૂતોએ દેવુ માફ કરવાની માંગ સાથે મીટિંગ કરી છે. 

રાજકોટ જિલ્લાના ધોરાજી ના ગ્રામ્ય પંથકમાં પડેલ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તારાજી સર્જાય છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છ થી આઠ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેતરોમાં ભારે પ્રમાણમાં નુકસાન થયું છે ખેતરમાં તૈયાર થઈ ગયેલી મગફળી, સોયાબીન, તુવેરના પાથરા પલળી ગયા છે. સરકાર દ્વારા મોબાઈલ એપથી જે સર્વેની જાહેરાત કરવામાં આવી છે તે બાબતે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, જે મોબાઈલ એપથી સર્વે કરવાનું છે એ એપ ચાલતી નથી અને ખેડૂતોને આ બાબતે કશું માહિતી ન હોય જેથી સર્વે થતું નથી જેથી કરીને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સર્વે કર્યા વગર સીધી સહાય જમા કરવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ આ વર્ષે નુકસાન થયું છે. 

તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતોની ચિંતા પાક નુકશાની ને લઈ વધી છે.ત્યારે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ કૃષિ પ્રગતિ એપ થકી ખેડૂતો ખુદ તેમની આંગળીના ટેરવે સર્વે કરી રહ્યા છે.ત્યારે વહેલીતકે સહાય મળે એવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. 

ડભોઇ તાલુકામાં છેલ્લા ચાર દિવસથી કમોસમી માવઠું તાલુકાના ખેડૂતોને માથે આફતના વાદળ થઈને વરસી રહ્યું છે પરિણામે સોયાબીન કપાસ ડાંગર જેવા પાકોને નુકસાન થયું છે. શિયાળુ પાક પહેલા સહાય મળે તેવી ખેડૂતોને આશા સેવી રહ્યા છે. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા કેરાળા જાળીયા મોજીરા જેવા ગામોમાં માવઠાથી ખેડૂતોની સાથે માલધારીઓની પણ માઠી દશા થઈ છે. 

આ સમાચાર શેર કરો