મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બગદાણા કેસમાં કોર્ટે જયરાજ આહીરના જામીન ફગાવ્યા, જેલ હવાલે કરવા કર્યો હુકમ

ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થય

સોર્સ: GSTV

ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું. આજે (24મી જાન્યુઆરી) સમન્સને પગલે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો. જોકે, SIT દ્વારા જયરાજ આહીરની પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઈ હતી. 

ધરપકડ બાદ જયરાજ આહીરને મહુવા કોર્ટમાં લઈ જવામાં આવ્યો, જ્યાં જયરાજ આહીરના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી, પણ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. જો કે એસ.આઈ.ટી દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવી ન હતી, કોર્ટે જયરાજ આહીરને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. 

આ કેસમાં 13 લોકોની ધરપકડ કરાઈ

બગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. SIT ટીમની તપાસમાં પ્રથમ કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી હતી. વધુ 2 આરોપીમાં ઉત્તમ ભરતભાઇ બાંભણીયા રતનપર નવાગામનો રહેવાસી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા રહે. બગદાણા રહેવાસીને ઝડપી પાડ્યા છે. 

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહીરના એક લોક ડાયરાથી થઈ હતી. આ કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' કહ્યા હતા. નવનીત બાલધિયાએ ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં આવું કોઈ પદ નથી.

માયાભાઈએ ભૂલ સ્વીકારી માફી માંગી હતી, પરંતુ ત્યારબાદ નવનીત બાલધિયા પર 29મી ડિસેમ્બર 2025ની રાત્રે આઠ જેટલા શખસોએ પાઈપ અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો.

નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ ન પડતા તેણે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આ ઘટના બાદ ભાવનગર સહિત સમગ્ર રાજ્યના કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે આત્મવિલોપનના પ્રયાસો અને દેખાવો કર્યા  હતા. કેસની ગંભીરતાને જોતા રાજ્ય સરકારના આદેશથી IPS અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો