VIDEO: રાજકોટ અગ્નિકાંડને લઇને કોંગ્રેસનું પ્રદર્શન, ગેનીબેન ઠાકોર સહિત અનેક નેતા જોડાયા
રાજકોટમાં ચર્ચાસ્પદ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ચૂંટ

રાજકોટમાં ચર્ચાસ્પદ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ દ્વારા બહુમાળી ભવન ચોકમાં દેખાવ કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે. આ દરમિયાન NSUIના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા
રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં આ મામલે દેખાવ શરુ કર્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જેનીબેન ઠુમર સહિતના નેતાઓ આ દેખાવમાં જોડાયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે. બહુમાળી ભવન ખાતે દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યાથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢશે.
ગુનેગારોને સજા કરવામાં આવી હોત તો...
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ રાજકોટ અગ્નિકાંડને લઇને કોંગ્રેસના પ્રદર્શનમાં જોડાયા હતા. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં પહેલા બનેલી આવી ઘટનાઓને લઇને ગુનેગારોને જો સજા કરવામાં આવી હોત તો આવી ઘટનાનું પુનરાવર્તન ના થાત. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, નિર્દોષ લોકોના જીવ ગુજરાતમાં વારંવાર જાય છે એટલા માટે અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો આવેદન આપી સરકાર સુધી વાત પહોચાડીશું અને જ્યા સુધી પરિવારોને ન્યાય નહીં મળે ત્યા સુધી કોંગ્રેસ આ બાબતમાં અગ્રેસિવ રહીને ન્યાય અપાવવાનું કામ કરશે.
અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત યુવાન પણ દેખાવમાં જોડાયો
કોંગ્રેસની સાથે અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત યુવાન પણ દેખાવમાં જોડાયો છે. કોંગ્રેસના દેખાવ અને રેલીને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પોલીસનો ચુસ્ત બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા દેખાવ તેમજ ધરણા કરવામાં આવ્યા છે.








